15 પ્રતિભા સંપન્ન મહિલાઓનું સરકારે કર્યું સન્માન

ગાંધીનગર- નારીશકિતના સામર્થ્યથી સક્ષમ રાષ્ટ્ર, સમૃદ્ધ રાજ્ય નિર્માણના આહવાન સાથે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના વિકાસમાં પહેલેથી પ્રતિભા સંપન્ન નારીઓના યોગદાનને પણ આ અવસરે યાદ કરવા સાથે રાજ્યની 15 પ્રતિભાવાન મહિલાઓને સન્માનવામાં આવી હતી.મુખ્યપ્રધાન રુપાણીએ ઉપસ્થિતોને સંબોધતાં ભારતીય સંસ્કૃતિ શકિતસ્વરૂપા સ્થાનને યાદ કરતાં જણાવ્યું કે આપણા દેવી-દેવતાઓના નામોમાં પણ પહેલાં નારીશકિતને મહત્તા અપાઇ છે. સીતા-રામ, લક્ષ્મી-નારાયણ, રાધા-કૃષ્ણ આના ઉદાહરણો છે.સીએમે આ રાજ્યસ્તરીય મહિલા સંમેલનમાં શતાયુ વંદના કરતાં ૧૦૦ વર્ષ વટાવી ચૂકેલી વૃદ્ધ માતાઓનું સન્માન તેમના સ્થાને જઇને કર્યુ હતું. તેમ જ કોસ્ટગાર્ડ, આર્મી, એરફોર્સ જેવા સંરક્ષણ દળોમાં ફરજરત મહિલાશકિત, આરોગ્ય સેવા ક્ષેત્રે અને મહિલા બાળકલ્યાણ ક્ષેત્રે માતા યશોદા એવોર્ડ સહિત ઉત્કૃષ્ટ પ્રદાન કરનારી બહેનોને પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ભેટ-પુરસ્કારથી સન્માનિત કરી હતી.રૂપાણીએ આ સાથે માહિતી આપી કે મહિલા વિકાસના મુદ્દે સ્વાવલંબન-સુરક્ષા-સ્વાસ્થ્ય હેતુસર 3080 કરોડની રકમ મહિલા-બાળકલ્યાણના બજેટમાં સરકારે ફાળવી છે. લિંગભેદ અને અંધવિશ્વાસ, રૂઢિગત રીવાજોને પરિણામે જોવા મળતાં મહિલા વિરોધી પરિણામોની ચિંતા કરતાં ઉમેર્યુ કે સ્ત્રીભૃણ હત્યા કયારેય નહીં ચલાવી લેવાય. સ્ત્રી જન્મદર વધારવા દીકરી જન્મતા પ્રોત્સાહન આપવાની વાત દોહરાવી હતી અને  રાજ્યમાં બેટી બચાવો-બેટી પઢાઓનું જનઆંદોલન આખુંય વર્ષ ચલાવવાનો અનુરોધ કર્યો હતો.

તેમણે ગુજરાતમાં પોલીસ દળમાં ૩૩ ટકા મહિલા આરક્ષણ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ૦ ટકા મહિલા અનામતને પરિણામે સુરક્ષા સેવામાં-કાયદો વ્યવસ્થા જાળવવામાં માતાબહેનોનો દબદબો રહેલો છે તેમ જણાવ્યું હતું.મુખ્યપ્રધાને મમતા કાર્ડનું અનાવરણ અને સખી મંડળને ’ઇકોવાન’ અર્પણવિધિ કરવામાં આવી હતી. આશાબહેનોને સાડીઓનું વિતરણ, સ્ત્રી આરોગ્ય કાર્યકરોને ટેકો પ્રોજેકટ અંતર્ગત મોબાઇલ ફોન અર્પણ વિધિ કરવામાં આવી હતી.