જમીનનો પરત કબજો અને વાડાની જમીન પચાવવાના વિવાદો અંગે સરકારે જણાવ્યું કે..

ગાંધીનગર- રાજ્યમાં જમીન વિવાદને લઇને મોટા પ્રમાણમાં મામલાઓ છે ત્યારે વિધાનસભામાં સરકારે કેટલીક મહત્ત્વની માહિતી આપી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પરત કબજો કરાયેલી જમીન અને ગામડાંઓમાં જ્યાં સરકારી માલિકીના વાડાની જમીનોના વિવાદ છે તે અંગે વિધાનસભામાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.

વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે, સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ૩ વર્ષમાં કર્યો છે. આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂંસી અને કાયદેસરની પ્રક્રિયાને કારણે ઉદભવતા ઘર્ષણો ટાળવા માટે ગૃહમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ સરકારને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

આ સંદર્ભમાં પણ વિસ્તૃત અને મહત્વપૂર્ણ જવાબ પાઠવતા જણાવ્યું કે, રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇની માલિકી પર વર્ષોથી ઊભી થઇ ગયેલી હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાંકોને તોડી પાડી કે કોર્ટના ચૂકાદાને માન્ય રાખીને તેને નેસ્તનાબૂદ કરી લાખો લોકોને છત વગરના કરી દેવા અનુચિત છે. અમારી સરકારે લાગણીસભર સંવેદના સાથે ઐતિહાસિક પરિવર્તન રેવન્યુ એકટમાં લાવીને યુ.એલ.સી.માં થયેલા મકાનોને કાયદેસર કર્યા. સૂચિત સોસાયટીમાં જે મકાનો છે તેને પણ કાયદેસર કર્યા છે.

વાડાની જમીનો વર્ષોથી બાપ-દાદાના વખતથી લોકો વાપરે છે. ઘરની એડજોઇનીંગ જ આવી જમીન હોય તેમાં ઢોર-ઢાંખર, નીરણ તેઓ રાખતા હોય છે. આવી જમીનની માલિકી સરકારની છે અને કબજો વર્ષોથી જે-તે વ્યકિત પાસે છે. એવા સંજોગોમાં વાડાની જમીન કાયદેસર કરીને લોકોને આપવી તેવો નિર્ણય પણ સરકારે પ્રો-એકટીવ થઇને લીધો છે. એ જ રીતે જે ઝૂંપડપટ્ટીઓ સરકારી જમીનમાં, કોર્પોરેશનની જગ્યામાં બની ગઇ છે તેને પણ રી-ડેવલપમેન્ટ સ્કીમમાં પાકા મકાનો બનાવીને ગરીબ-મધ્યમવર્ગીય લોકોને, વધુને વધુ લોકોને મકાનો મળે તથા ર૦રર સુધીમાં પ્રત્યેક વ્યકિત પાકા મકાનમાં રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.

 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીનમાં શરતભંગ કરી સરકારી પડતર દાખલ કરવા બાબતે વિધાનસભાગૃહમાં કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડીયાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં શરત ભંગ કરી સરકારી પડતર દાખલ કરવાના હુકમો કરેલી જમીન આશરે ૮૪,૯૨૫ ચો.મી.ની હતી આ તમામ જમીન સરકાર દ્વારા કબજે લેવામાં આવી હતી. ચુડાસમાએ સ્પષ્ટ કર્યું હતું કે, શરતભંગ થયેલી જમીનના કિસ્સામાં સંબંધિત વ્યક્તિ/પાર્ટીને સરકાર સામે અપીલમાં જવાની જોગવાઈ છે. આ તબક્કે જામનગરમાં સરકારી પડતર દાખલ કરવા બાબતે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય  રાઘવજીભાઈ પટેલે પણ સ્પષ્ટતા માગી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં ૧૬,૨૪,૪૩૭ ચો.મી. જમીન શરત ભંગ કરી સરકારી પડતર દાખલ કરવાના હુકમો થયા હતા અને આ તમામ જમીન ઉપર સરકાર દ્વારા કબજો લેવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮-૧૯માં  જામનગરમાં ૪૦,૦૬૨૬ ચો.મી. જમીન પર શરત ભંગ કરી સરકારી પડતર દાખલ કરવાના હુકમો થયા હતા જે પૈકીની ૩,૫૦,૯૨૬ ચો.મી. જમીન પર કબજો મેળવવામા આવ્યો જ્યારે ૪૯,૭૦૦ ચો.મી. જમીન પર સરકારે હજુ પણ કબજો લેવાનો બાકી છે.

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે લેન્ડ કમિટીની બેઠક મળી છે કે નહીં તે અંગે પૂછાયેલા પેટા પ્રશ્નના જવાબમાં  ભૂપેન્દ્રસિંહેએ સ્પષ્ટતા કરી હતી કે સરકારે લેન્ડ કમિટીની બેઠક યોજી છે અને તેમના દ્વારા થયેલી સમીક્ષા બાદ નિયમોનુસાર સંબંધિતોને તેમની જમીન પરત કરવાનું પણ આયોજન છે.