આગામી ચોમાસાની તૈયારીમાં લાગ્યું તંત્ર, 15 મેથી કંટ્રોલ રુમ શરુ

ગાંધીનગર-આગામી ચોમાસાની તૈયારીઓને લઇને મુખ્ય સચીવની અધ્યક્ષતામાં તંત્ર કામે લાગી ગયું છે. મુખ્ય સચીવ ડૉ. જે.એન.સિંઘે તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ લશ્કરની ત્રણેય પાંખોના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહીવટીતંત્રના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટે આગોતરું આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રિમોન્સૂન પ્રિપેડનેમની બેઠકમાં સિંઘે કહ્યું કે, આગામી ચોમાસાની ઋતુ માટે રાજ્યભરમાં ૧૫મી મે-૨૦૧૮થી કંટ્રોલરૂમ કાર્યરત કરાશે. તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થાપનના પ્લાન તૈયાર કરી જરૂરી વ્યવસ્થા કરવા ભારપૂર્વક કહ્યું હતુ.

કેન્દ્રીય હવામાન વિભાગના ડિરેકટર જયંત સરકારે અલ નીનો અને ઇન્ડિયન ઓસન ડાયપોલની સ્થિતિ અને આગામી ચોમાસા ઉપર તેની અસર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, હવામાન ખાતાના અત્યાર સુધીના અભ્યાસ મુજબ પહેલા ચોમાસુ કેરાલામાં બેસશે, ત્યાર બાદ જૂનાના ત્રીજા અઠવાડિયામાં ગુજરાતમાં વિધિવત વરસાદ થાય તેવી સંભાવના છે.

આ બેઠકમાં રાહત-બચાવ સંદર્ભે વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલ કામગીરીની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી. જિલ્લાકક્ષાએ ફલડ કંટ્રોલ રૂમ કાર્યરત થવા ઉપરાંત રાજ્યમાં 10 એન.ડી.આર.એફ.ની  ટીમો કાર્યરત છે. જેમાં ૬ વડોદરા અને ૪ ગાંધીનગર ખાતે તહેનાત રહેશે.