માછીમારોને બોટ માટે 169.28 કરોડ અને રીબેટપેટે 896 કરોડ ચૂકવાયાં

ગાંધીનગર-મત્સ્યોદ્યોગપ્રધાન પરસોતમ સોલંકીએ જણાવ્યું છે કે,રાજ્યના સાગરખેડૂઓને સહાયરૂપ થવા રાજ્યસરકાર કટિબદ્ધ છે. યુપીએ સરકારે ફિશરમેનોને જે લાભો આપવાના બંધ કર્યા હતાં ત્યારે ફિશરમેનોને નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકારે પોતાના અંદાજપત્રમાં સહાય ચૂકવી છે.

ગુજરાત વિધાનસભા ખાતે ફિશરમેન ડેવલપમેન્ટ રીબેટ ઓન એચ.એસ.ડી. ઓઇલ માટે કેન્દ્ર સરકારની નીતિમાંથી બી.પી.એલ. નોર્મ્સ દૂર કરવાના પ્રશ્નના પ્રત્યુતરમાં કહ્યું કે, આ લાભો કેન્દ્રની યુ.પી.એ. સરકારે બંધ કર્યા હતા, પરંતુ ગુજરાતની ભા.જ.પા. સરકારે વર્ષ-૨૦૧૭-૧૮માં રાજ્યના 94424 બોટધારકોને રૂ.૧૬૯.૨૮ કરોડનું ચૂકવણું કર્યું છે. સાથે સાથે ફિશરમેનને મદદરૂપ થવા ડીઝલમાં ૮૯૬ કરોડની વેટમાં રીબેટની રાહત આપી છે. રાજ્યમાં ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે વસતા સાગરખેડૂના સર્વાંગી વિકાસ માટે ભા.જ.પા. સરકારે અનેકવિધ પગલાં લીધા છે. માછીમારોને મદદરૂપથવા હોર્સપાવરદીઠ મોટરમાં ટ્રીપદીઠના ડિઝલના જથ્થામાં વધારો કર્યો છે. ૭૫ થી ૧૦૦ હોર્સપાવરદીઠ ૧,૨૦૦ લીટર ડિઝલ અપાતું હતું તે વધારીને ૧,૮૦૦ લીટર અને ૧૦૦ હોર્સપાવરની મોટર પર ૧,૪૦૦ લીટરને બદલે ૨,૦૦૦ લીટર ડિઝલ ટ્રીપદીઠ આપવામાં આવે છે. ઉપરાંત કેરોસીનનું વિતરણ પણ તેમની વસાહતોમાંજ કરવામાંઆવે છે. કેરોસીનમાં પણ રૂ. ૨૫ પ્રતિ લીટર સહાય અને ૧૫૦ લીટર કેરોસીન અપાય છે.

મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બોટ માટે જેફરજિયાત વીમો લેવો પડતો હતો તે દૂર કરાયો છે. તેમજ બાયોમેટ્રીક કાર્ડની જોગવાઇ પણ દૂર કરી છે. સાથેસાથે માછીમારી કરતાં સરહદ પાર કરી જતા માછીમારોનું કાર્ડ જે રદ થતું હતું તે પ્રથમ ભૂલ માટે એક વર્ષ રદ કરાય છે. તેમ જ ડીઝલના બિલો રજૂ કરવાની જોગવાઇ ૧૫ દિવસ હતી તે વધારીને ૩૦ દિવસ કરાઇ છે. ઉપરાંત પાકિસ્તાન સત્તાવાળા દ્વારા બોટ પકડાઇ જાય તો નવી બોટ બનાવવા અને રજિસ્ટ્રેશન માટે પણ રાજ્ય સરકાર સહાય આપે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.