મોજણી સર્વેક્ષણઃ પીવાના પાણી, સ્વચ્છતા, આરોગ્ય, ઘરની પરિસ્થિતિ અને દિવ્યાંગોની માહિતી મેળવાશે

0
905

ગાંધીનગર- કેન્દ્ર સરકાર દ્વારા નીતિ ઘડતર તેમજ યોજનાકીય બાબતોના લાભો વધુને વધુ નાગરિકોને પ્રાપ્ત થાય તે આશયથી રાષ્ટ્રીય નમૂના મોજણી સર્વેક્ષણનું આયોજન કરાયું છે. આ મોજણીનું ૭૬મું આવર્તન ગુજરાતમાં ૧લી જુલાઇ ૨૦૧૮થી શરૂ થયું છે, જે ડિસેમ્બર-૨૦૧૮ સુધી ચાલશે. તેમાં નાગરિકોને યોગ્ય સહયોગ આપવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે, તેમ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરી દ્વારા જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર રાજ્યમાં યોજાઇ રહેલ આ સર્વેક્ષણમાં પીવાનું પાણી, સ્વચ્છતા, આરોગ્ય અને ઘરની પરિસ્થિતિ તથા વિકલાંગ વ્યક્તિઓની માહિતી મેળવવામાં આવી રહી છે. આ સર્વે માટે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પધ્ધતિ મુજબ પસંદ થયેલ ગામ તથા શહેરી વિસ્તારોની મુલાકાત લઇ ઘરે ઘરે જઇ વિગતવાર નિયત પત્રકમાં માહિતી મેળવશે તો તમામ નાગરિકોએ આ કામગીરી માટે જ્યારે પણ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ આપના ઘરની મુલાકાતે આવે ત્યારે પુરતો સહકાર આપી જરૂરી વિગતો પુરી પાડવા વિનંતી કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીયછે કે, નેશનલ સેમ્પલ સર્વેના ૭૬મા રાઉન્ડમાં સર્વેની કામગીરી રાષ્ટ્રવ્યાપી ધોરણે થઇ રહી છે. ગુજરાતમાં ૪૦૬ કેન્દ્રો પસંદ કરાયા છે. આ કામગીરીમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા ત્રણ રીજીયનની ક્ષેત્રિય કચેરીઓ દ્વારા ૩૩ જિલ્લાઓમાં આ કામગીરી ચાલી રહી છે. અમદાવાદ રીજીયનમાં શહેરી વિસ્તારમાં ૭૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૬, વડોદરા રીજીયનમાં શહેરી વિસ્તારમાં ૭૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૩, રાજકોટ રીજીયનમાં શહેરી વિસ્તારમાં ૫૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૫ કેન્દ્રોને સર્વેમાં આવરી લેવાયા છે, તેમ વધુમાં જણાવાયું છે.