ગુજરાતઃ પ્રથમ આઠ મહિનામાં રૂ.2 લાખ કરોડની નિકાસ

દિલ્હી/અમદાવાદ– ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે આજે સોમવારે દિલ્હીમાં વાણિજ્ય વિકાસ અને પ્રમોશન કાઉન્સિલની મળેલ ત્રીજી બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો સતત ૨૦ ટકા ફાળો રહ્યો છે અને રાષ્ટ્રીય નિકાસના યોગદાનના સંદર્ભમાં ગુજરાત અગ્રગણ્ય રાજ્ય રહ્યું છે.કેન્દ્રિય પ્રધાન સુરેશ પ્રભુના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકને સંબોધતા નિતીનભાઈ પટેલે ઉમેર્યું હતું કે, વર્ષ 2016-17માં ગુજરાતની નિકાસ રૂા.3.5 લાખ કરોડ અને નાણાંકીય વર્ષ 2017-18 (એપ્રિલથી નવેમ્બર)ના પ્રથમ આઠ મહિનામાં ગુજરાતમાંથી કુલ નિકાસ રૂા.2 લાખ કરોડ છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક અને ઓર્ગેનિક કેમિકલ્સ, ડાયમન્ડસ, ફાર્માસ્યૂટિકલ્સ, કેસ્ટર ઑઈલ, મગફળી અને કપાસની નિકાસમાં ગુજરાત ટોચના રાજ્યોમાં છે, તે મોટા ગૌરવની વાત છે. આ ઉપરાંત એન્જીનિયરિંગ અને કેપિટલ ગુડ્સ, પ્લાસ્ટિક, કોટન ફેબ્રીક્સ, ખાતર, કૃષિ પેદાશો, મરીન પ્રોડક્ટસ અને ડેરી ઉત્પાદનોમાં ગુજરાત રાજ્ય અગ્રગણ્ય નિકાસકાર છે.

નિકાસની વ્યૂહરચનાના અમલીકરણ અને રાજ્યમાં નિકાસકારોની મુશ્કેલીઓના ઉકેલ લાવવા રાજ્ય સરકારે જે અનેકવિધ પગલા લીધાં છે તેની માહિતી આપતા નિતીન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નિકાસ કમિશનરની નિમણૂંક કરી છે, તેમ જ કૃષિ વિભાગ દ્વારા ‘નિકાસ પ્રમોશન સેલ’ શરૂ કરવાની યોજના છે, જે નિકાસકારોને માર્ગદર્શન અને મદદ આપવા માટે, રાજ્યના તમામ જિલ્લાઓમાં મદદ કરશે.

આ બેઠકમાં નિકાસ વધારવા માટે સૂચનો કરતા પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં લેબર ઈન્સેન્ટીવ ઈન્ડસ્ટ્રીઝ જેવી કે, ટેક્ષટાઈલ, ફૂડ પ્રોસેસીંગ અને એન્જીનીયરીંગ ગુડ્સ કે જે નોંધપાત્ર રીતે વધુ રોજગારી આપે છે. તેના માટે, ટેક્ષટાઈલ, ફૂડ પ્રોસેસીંગ અને એન્જીનીયરીંગ ગુડ્સ કે જે નોંધપાત્ર રીતે વધુ રોજગારી આપે છે, તેના માટે Merchandise Exports From India Scheme હેઠળની સહાયમાં ભારત સરકારે 1થી 2 ટકાનો વધારો કરવો જોઈએ.

નિતીનભાઈએ વેરાવળ ખાતે મરીન પ્રોડકટ્સ ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવાની માંગણી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાંથી માછલીઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન છે અને નિકાસ પણ મોટા પ્રમાણમાં થતી હોય, મરીન પ્રોડક્ટ્સ ટેસ્ટીંગ લેબોરેટરી ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની નેમ લીધી છે તેથી કૃષિને લગતી ચીજ-વસ્તુઓની નિકાસમાં ભારત સરકાર વધુમાં વધુ પ્રોત્સાહન આપે તેવી રજૂઆત તેમણે બેઠકમાં કરી હતી. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે જે મીનીમમ સપોર્ટ પ્રાઈઝ નક્કી કરે છે અને જે ખર્ચ કરે છે તેની સાથે ખેડૂતો તેમની પ્રોડક્ટ્સનું જે નિકાસ કરે છે તેમને પ્રોત્સાહન આપવા માટે સબસીડી આપવી જોઈએ જેથી ખેડૂતો અને ભારત સરકાર બંનેને ફાયદો થશે તેવું તેમણે સૂચન કર્યું હતું. આ પ્રકારના પ્રોત્સાહનોમાં વધારો કરવાથી નિકાસ સ્પર્ધાત્મક થશે જે ઉત્પાદનની કાર્યક્ષમતા તેમ જ વધુ રોજગારીમાં પરીણમશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત પટેલે તમામ નિકાસ કરતી ચીજવસ્તુઓ અને ખાસ કરીને કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગોના નિકાસમાં વૃદ્ધિ માટે ભારત સરકારને પ્રોત્સાહનો વધારવા વિનંતી કરી હતી. એમએસએમઇ એકમો જે નિકાસ કરે છે તેમને જીએસટીનું રીફંડ અગ્રતાના આધારે મળે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.