ગુજરાત ચૂંટણીઃ ભાજપે 3 પ્રધાનો સહિત 14 ધારાસભ્યોની ટિકીટ કાપી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના પ્રથમ ચરણના મતદાન માટે હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે. આ માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થવાના એક દિવસ પહેલાં ગુજરાત ભાજપે પોતાના 28 ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં કેટલીક મહત્વની અને ધ્યાન પર લેવા જેવી વાત એ છે કે ભાજપે પોતાના ત્રણ મંત્રીઓ સાથે 14 વર્તમાન એમએલએને પણ ટીકિટ નથી આપી. ત્યારે આ વખતે ઉમેદવારોમાં કોઈ મુસ્લિમ ચહેરો પણ જોવા મળ્યો નથી.

આ ત્રણ મંત્રીઓમાં જળ સંસાધન મંત્રી નાનુ વાનાણી, પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી જયંતી કવાડિયા અને કૃષિ મંત્રી વલ્લભ વઘાસિયાના નામનો સમાવેશ થાય છે. ભાજપે અત્યાર સુધીમાં કુલ 135 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જેમાં 89 જેટલા ઉમેદવારો પ્રથમ ચરણમાં ચૂંટણી લડશે. ઉમેદવારોમાં આ વખતે કોઈ પણ મુસ્લિમ ચહેરો જોવા નથી મળ્યો. મહત્વનું છે રાજ્યમાં ચારે બાજુ ફેલાયેલા વિરોધના જુવાળને ડામવા માટેની રણનીતિ અંતર્ગત બીજેપીએ પોતાના 14 ધારાસભ્યોને આ વખતે ટિકીટ નથી આપી.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની દીકરી અનાર પટેલને નવસારી બેઠક પરથી ટિકીટ મળશે તેવી વાતો વહેતી થઈ હતી પરંતુ હવે આ ટિકીટ પીયૂષ દેસાઈના નામેં કરી દેવામાં આવી છે કે જેઓ પહેલાથી જ અહીંના ધારાસભ્ય છે. 135 ઉમેદવારોમાં ત્યાર સુધી માત્ર 9 મહિલા ઉમેદવારોના નામ સામે આવ્યાં છે. ત્યારે કેટલીક સીટો પર બદલાવ પણ જોવા મળ્યો છે. પૂર્વ ઉદ્યોગમંત્રી અને અકોટાથી ધારાસભ્ય એવા સૌરભ પટેલ હવે હવે પોતાના પિતાની સીટ બોટાદથી ચૂંટણી લડશે જ્યારે રમણલાલ વોરા ઈડરની જગ્યાએ સુરેંન્દ્રનગરના દસાડાથી ચૂંટણી લડશે.