ગુજરાત દેશમાં સૌથી ઓછામાં ઓછો વેટ ઉઘરાવતું રાજ્ય છેઃ નાયબ સીએમ

0
1291

ગાંધીનગર-વિધાનસભામાં જ્યાં આજે કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ મામલે ભારે સૂત્રોચ્ચાર સાથે વેલમાં ધસી જઇ આખા દિવસનું સસ્પેન્શન વહોરી લીધું હતું તે મુદ્દે રાજ્ય સરકારે જણાવ્યું કે ગુજરાત દેશમાં સૌથી ઓછામાં ઓછો વેટ ઉઘરાવતું રાજ્ય છે.નાયબ સીએમ નિતીન પટેલે કહ્યું કે સમગ્ર દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલ ઉપર સૌથી ઓછોમાં ઓછા વેટ ગુજરાતમાં ઉઘરાવવામાં આવે છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ પેટ્રોલ ઉપર ૨૦ ટકા વેટ અને ૪ ટકા સેસ (CGST) જ્યારે ડીઝલ ઉપર પણ ૨૦ ટકા વેટ અને ૪ ટકા સેસ  (CGST) લેવામાં આવે છે. જ્યારે દેશમાં કોંગ્રેસશાસિત રાજ્ય પેટ્રોલ ઉપર પંજાબ અને કર્ણાટકમાં અનુક્રમે ૨૮ અને ૩૦ ટકા વેટ લેવામાં આવે છે. આ ઉપરાંત કેરળમાં અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે ૨૫ ટકા વેટ ૩૧ ટકા પેટ્રોલ ઉપર વસૂલવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ઓછામાં ઓછા કર ઉઘરાવે છે તેમ આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પેટ્રોલ-ડીઝલના વેટ ઉપર પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું.

અન્ય રાજ્ય દ્વારા લેવામાં આવતા વેટ-કરની વિગતો આપતાં કહ્યું હતું કે, રાજસ્થાનમાં પેટ્રોલમાં ૩૦ ટકા વેટ જ્યારે ડીઝલ ઉપર ૨૨ ટકા, મહારાષ્ટ્રમાં પેટ્રોલ ઉપર ૨૬ ટકા અને ડીઝલમાં ૨૪ ટકા, મધ્યપ્રદેશમાં પેટ્રોલ ઉપર ૨૮ ટકા, જ્યારે ડીઝલ ઉપર ૨૨ ટકા, આંધ્રપ્રદેશમાં પેટ્રોલ ઉપર ૩૧ ટકા અને ડીઝલ ઉપર ૨૨.૨૫ ટકા, ઉત્તરપ્રદેશમાં પેટ્રોલ ઉપર ૨૬.૮૦ ટકા, ઉત્તરાખંડમાં પેટ્રોલ ઉપર ૨૫ ટકા જ્યારે ડીઝલમાં ૨૧ ટકા, બિહારમાં પેટ્રોલ ઉપર ૨૬ ટકા, દિલ્હીમાં પેટ્રોલ ઉપર ૨૭ ટકા, હરિયાણામાં  પેટ્રોલ ઉપર ૨૫ ટકા વેટ ઉઘરાવવમાં આવે છે જે દર્શાવે છે કે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ ઉપર ઉઘરાવવામાં આવતા વેટ કરતા વધુ છે.

GST કાઉન્સિલ દ્વારા GSTના અમલીકરણ  પૂર્વે ખાતર પર ૧૨ ટકા GST  નક્કી કરવામાં આવ્યો હતો. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારે આ ખાતર પરનો વેરો ઓછો કરવા કેન્દ્રીયકક્ષાએ રજૂઆત કરાઇ હતી, જેને માન્ય રાખીને ખાતર પરનો ૧૨ ટકા વેટ ઘટાડીને ૫ ટકા કર્યો એ આપણા માટે ગૌરવ સમાન છે. આ ઘટાડેલા ટેક્સનો ફાયદો ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો લઇ રહ્યાં છે.

ગુજરાતમાં તા.૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ સી.એન.જી. અને પી.એન.જી.માં ૧૫-૧૫ ટકા ગુજરાત માલ અને સેવા કર ઉઘરાવવામાં આવે છે, તે માહિતી પણ આપવામાં આવી હતી.