નારાજગીના પડઘા દિલ્હીમાં પડ્યાં, રાહુલ ગુજરાતની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગીના કિસ્સાઓ ખુલીને બહાર આવ્યાં છે ત્યારે વાત હવે રાહુલ ગાંધીના કાને પહોંચી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ગુજરાત આવી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે ગુજરાતમાં તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે ચર્ચા થઈ છે કોઈને પણ નારાજગી નથી અને કેટલાક સીનિયર નેતાઓની સાથે ચર્ચા કરીને લોકસભા ઈલેક્શનનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ દિશામાં રાહુલ ગાંધી તમામ લોકોને મળવા આગામી દિવસોમાં ગુજરાતમાં આવી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જુલાઈના બીજા સપ્તાહમાં 11 થી 14 જુલાઈની વચ્ચે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યાં છે. અહીં આવીને તેઓ વ્યાપારી વર્ગ, ખેડૂત વર્ગ સહિત જિલ્લાના કાર્યકરો અને નેતાઓને મળીને પરિસ્થિતિનો ચિતાર પ્રાપ્ત કરશે.

મહત્વનું છે કે છેલ્લા થોડા સમયમાં કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટ કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારબાદ તેમના કેટલાક ટેકેદારોએ રાજીનામું આપ્યું હતું તો વાંકાનેરના પીરઝાદા, વિક્રમ માડમ, અને કુંવરજી બાવળીયા સહિતના નેતાઓની નારાજગી પણ છૂપી નથી. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસના આ આંતરિક વિખવાદનો ફાયદો ભાજપને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં થયો હતો તો કોંગ્રેસના નારાજ નેતા કુંવરજી બાવળીયાએ પણ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારે રાહુલ ગાંધી અહીંયા આવીને કોંગ્રેસના નારાજ નેતાઓ સાથે ચર્ચા કરશે.