CM રુપાણી બીમાર, બે દિવસના કાર્યક્રમ રદ, સીએમ યોગી સાથે ન જઈ શક્યાં ભવનાથ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીની તબિયત લથડી હોવાના સમાચાર મળ્યાં છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીની બપોર દરમિયાન અચાનક તબિયત બગડી હતી. જેને લઈને તેમના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં હતાં. સીએમ રુપાણી ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે જૂનાગઢ ભવનાથ દર્શન અને ધર્મસભા સંમેલનમાં ભાગ લેવાનો કાર્યક્રમ પણ આ કારણે રદ થયો હતો.

સીએમ રુપાણીને શુક્રવારે સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. જેની પ્રાથમિક તપાસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ કરી હતી. વિજય રુપાણી ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જૂનાગઢ જવા રવાના થયાં હતાં. રાજકોટ હવાઇમથકે તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને આવકારી તેમની સાથે મહાશિવરાત્રિ મેળા માટે જૂનાગઢ ભવનાથ જવાના હતાં.

જોકે રુપાણીને રાજકોટ ખાતે પણ સ્વાસ્થ્યની આ ફરિયાદ યથાવત રહેતાં તેઓ અમદાવાદ પરત આવ્યાં હતાં, અને યોગી જૂનાગઝ રવાના થયાં હતાં. અમદાવાદ આવી પહોંચતાં મુખ્યપ્રધાનની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડૉ. આર. કે. પટેલ અને ડૉ. મનોજ ઘોડાએ સારવાર અર્થે આરોગ્ય તપાસ કરી હતી.

ડૉ. આર. કે. પટેલે અને ડૉ. મનોજ ઘોડાએ નિદાન કરતાં જણાવ્યું કે, મુખ્યપ્રધાન ઉલટી અને તાવ તેમ જ આંતરડામાં દુઃખવાની ફરિયાદ હતી. તેમને આંતરડા પર સોજો હોવાનું નિદાન થયું છે. મુખ્યપ્રધાનની તબિયત હાલ સ્થિર છે અને ચિંતાનું કોઇ જ કારણ નથી. તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. તેના કારણે મુખ્યપ્રધાનના આવતીકાલ બીજી માર્ચના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે.