ગાંધીનગર વધુ પાણી વાપરતું શહેર, રીસાઈકલ્ડ પાણી વાપરો: મુખ્યપ્રધાન

ગાંધીનગર– પાણીની તંગ પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા બેઠક પર બેઠક યોજી વિવિધ વિભાગના સંકલન સાથે સમીક્ષાઓ યોજાઈ રહી છે. ત્યારે આજની એક બેઠકમાં બહાર આવ્યું હતું કે ગાંધીનગર રાજ્યમાં સૌથી વધુ પાણી વાપરતું શહેર છે.

પાણી સંદર્ભે ખાસ સૂચના આપતાં મુખ્યપ્રધાને રીસાઈકલ્ડ પાણીનો વપરાશ વધારવા જણાવ્યું હતું. આગામી વર્ષોમાં મહાનગરોમાં ઊદ્યોગગૃહોના ઔદ્યોગિક વપરાશ-બાગ-બગીચા-વૃક્ષારોપણ-ખેડૂત મંડળીઓ દ્વારા સિંચાઇ ખેતીવાડી માટે ૭પ ટકા રી-સાયકલ્ડ વોટર-ટ્રીટેડ વોટરના ઉપયોગ માટે મુખ્યમંત્રીશ્રીનો મહાનગર સત્તાતંત્રોને દિશાનિર્દેશ આપવામાં આવ્યો છે. આના કારણે ભૂગર્ભ જળ અને નર્મદા જળ પર ડિપેન્ડન્સી ઘટાડવા અંગે પણ વિચારવામાં આવ્યું હતું.

રૂપાણીએ રાજ્યના આઠેય મહાનગરોમાં તથા શહેરી વિકાસ સત્તામંડળોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી પુરવઠાની સ્થિતીની સમીક્ષા અને આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૂરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોના મેયર, સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો, કમિશનરો સાથેની આ બેઠકમાં મહાનગરો તેમ જ શહેરી વિકાસ સત્તામંડળોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં સ્થાનિક સોર્સ તેમ જ નર્મદામાંથી આપવામાં આવતા પાણી પુરવઠાની હાલની પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાને ૩૧ જુલાઇ-ર૦૧૯ સુધી રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે હેતુસર મહાનગરોના સત્તાતંત્રોએ હાથ ધરેલા આયોજનનો જાયજો પણ મેળવ્યો હતો.તેમણે મહાનગરોમાં આગામી ૧-ર વર્ષમાં વપરાશ માટેના પાણી પુરવઠામાં ૭પ ટકા ટ્રીટેડ વોટર-રીસાયકલ્ડ વોટર યુઝ કરવા માટેની વ્યવસ્થા કાર્યરત થાય તે અંગે પણ તાકીદ કરી હતી.

આ રિસાયકલ્ડ વોટરનો ઉપયોગ ઊદ્યોગ ગૃહોના ઔધોગિક વપરાશ, મહાનગરોમાં બાગબગીચા વૃક્ષારોપણ તેમ જ મહાનગરોના તળાવો ભરવા માટે કરીને હાલ ગ્રાઉન્ડ વોટર કે નર્મદાના પાણી પરની ડીપેન્ડન્સી ઘટાડવા અંગે પણ બેઠકમાં ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નગરોની નદીઓ પુન:જીવિત કરવા અને ખેડૂત મંડળીઓ મારફત આવું ટ્રીટેડ વોટર ખેતીવાડી માટે વપરાશમાં લેવાની બાબતે પણ માર્ગદર્શન બેઠકમાં આપવામાં આવ્યું હતું.

પાણી પુરવઠાપ્રધાન કુંવરજી બાવળીયાની સહ ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.