ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, એજન્ડામાં છે આ નિયુક્તિઓ…

ગાંધીનગર- ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. જેમાં નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના હોદ્દા અંગે નિર્ણય લેવાઇ રહ્યો છે.. અઢી વર્ષનું શાસન પૂર્ણ થતાં હવે 6 મહાનગરપાલિકા, 6 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીના ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે. અમદાવાદના નવા મેયર કોણ બનશે તે પણ નક્કી થશે. ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો નક્કી કરવામાં આવશે અને તેના નામ બંધ કવરમાં ભાજપના હોદ્દેદારોને સુપ્રત કરાશે, જેની 14મી જૂને મ્યુનિસિપિલ કોર્પેરેશનની બોર્ડની બેઠકમાં સત્તાવાર જાહેરાત કરાશે.આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિયુક્તિઓ બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. કુલ 9 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાઓ અને 8 જિલ્લા પંચાયતો અને 6 મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.તાલુકા પંચાયતોમાં નિયુક્તિ માટે નડીયાદ, ઠાસરા, મહેમદાવાદ, વસો, ધોળકા, નવસારી, ગણદેવી, જલાલપોર અને ગરુડેશ્વરનો સમાવેશ થાય છે. જ્યારે નગરપાલિકાઓમાં ખંભાળીયા, રાજપીપળા, મોડાસા અને કડીમાં નિયુક્તિની વિચારણા કરાઇ છે. જિલ્લા પંચાયતોમાં પંચમહાલ, સૂરત, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, ગીર સોમનાથ અને પોરબંદરમાં પદાધિકારી નિયુક્તિઓ બાબતો રજૂઆતો સાંભળવામાં આવી હતી. તો, અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓ માટે પણ પદાધિકારીઓની નિયુક્તિ વિશે વિચારવામાં આવ્યું હતું.