વિજય રુપાણી સમાવિષ્ટ નહીં, નિતીન પટેલ સહિત 11 સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિ

ગાંધીનગર– આગામી લોકસભા ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શ્રીગણેશ કરતાં આજે પ્રદેશ ટીમ તથા પ્રભારી ટીમની બેઠક યોજવામાં આવી હતી.  આ ઉપરાંત ગાંધીનગર સીએમના નિવાસસ્થાને ભાજપ કોર ગ્રુપ લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. હવેથી કમલમ પર બેઠકોનો ધમધમાટ ચાલુ થશે. સાંસદ અનિલ જૈનની અધ્યક્ષતામાં બેઠક તથા બાદમાં પ્રદેશની ટીમ તથા પ્રભારી ટીમ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ ભાજપ આગામી લોકસભાની ચૂંટણીને લઇને સંગઢનલક્ષી તૈયારીઓમાં લાગી ગયો છે. નોંધપાત્ર છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જનાધાર ઘટ્યો છે ત્યારે પીએમ મોદીના ગૃહરાજ્ય હોવાને લઇને પણ વધુ આક્રમક રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે.

પ્રભારી ભૂપેન્દ્ર યાદવે સાંજે કમલમમાં બેઠક કરી હતી તો સીએમ વિજય રૂપાણીના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રભારી તેમજ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહી આયોજન સંદર્ભે મહત્ત્વના નિર્ણયો લેશે.

લોકસભાની ચૂંટણીને લઈને પ્રથમ બેઠક થઇ  છે તેમાં લોકસભા સમિતિની રચના પણ કરવામાં આવી છે. સમિતિમાં 8થી 10 પદાધિકારીઓનો સમાવેશ કરાયો છે.જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ અને ગણપત વસાવા બીજેપીના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ અને આઈ.કે. જાડેજા, પૂર્વપ્રધાન શંકર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.