ભાજપે જાહેર કરી પહેલી યાદી, 70 બેઠક પર ઉમેદવાર જાહેર

ગાંધીનગર-ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા તેની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી છે. યાદી રીલીઝ કરાયાં પછી નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે તેની સત્તાવાર ઘોષણા કરી હતી.

ભાજપે જાહેર કરેલી 70 ઉમેદવારોની પ્રથમ યાદીમાં રાજકોટ પશ્ચિમ પર સીએમ રુપાણી, નિતીન પટેલ મહેસાણા, જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમની નિયમિત બેઠક પર જ ચૂંટણી લડવાનું જાહેર થયું છે. આ સાથે આ નેતાઓની બેઠકમાં બદલાવની તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.ભાજપે જાહેર કરેલી 70 બેઠક પરના ઉમેદવારોમાં સોમનાથ- જશા બારડ, રાજુલાથી હીરા સોલંકી, ગઢડાથી આત્મારામ પરમાર, મહેમદાબાદથી અર્જુનસિંહ ચૌહાણ, શહેરાથી જેઠા આહીર વગેરે ટિકીટ મેળવનાર નામો બહાર પડ્યાં છે. આ યાદીમાં 4 મહિલા ઉમેદવારના નામ છે. જોકે વઢવાણના વર્ષા દોશીનું પત્તું કપાયું છે.

નવા ચહેરાને જોખમની સ્થિતિ કળી ગયેલાં ભાજપ મોવડીમંડળે સેફ ગેમ રમતાં સિટીંગ 49 ધારાસભ્યને ફરી ટિકીટ આપી છે. તો જે ચાર મહિલા ઉમેદવાર ટિકીટ મેળવી શક્યાં તેમાં વિભાવરી દવે-ભાવનગર પૂર્વ, વડોદરા-મનીષા વકીલ, લિંબાયત-સંગીતા પાટીલ અને રમીલા બારા કે જેઓ ગત ચૂંટણી ખેડબ્રહ્મા બેઠક પર હારી ગયાં હતાં તેમનો સમાવેશ થયો છે.

મહત્ત્વનું છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓમાંથી પાંચને ટિકીટ આપવામાં આવી છે. તેમાં  જામનગર રુરલમાં રાઘવજી પટેલ, અને જામનગર ઉત્તરમાં ધર્મેન્દ્ર જાડેજા, ઠાસરાથી રામસિંહ પરમાર, બાલાસિનોરથી માનસિંહ ચૌહાણ, ગોધરામાંથી સી કે રાઉલજી ટિકીટ મેળવવામાં સફળ બન્યાં છે.

જાતિવાર જોઇએ તો આ યાદીમાં 15 પટેલ, 6 ક્ષત્રિય, 5 કોળી, 2 જૈન અને 2 બ્રાહ્મણને ટિકીટ ફાળવવામાં આવી છે.

ભાજપે આજે જાહેર કરેલી આ યાદીમાં પહેલા તબક્કાની 45 અને બીજા તબક્કાની 25 બેઠક જાહેર કરવામાં આવી છે. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)

ભાજપે જાહેર કરેલી ઉમેદવાર યાદી