બિનઅનામત નિગમઃ વિદ્યાર્થીઓને જુદીજુદી શ્રેણીમાં 95.02 કરોડની સહાયતા આપી…

ગાંધીનગરઃ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની બોર્ડ બેઠક ચેરમેન બી.એચ. ઘોડાસરાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ઘોડાસરાએ જણાવ્યું હતું કે, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા લાભાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને ભોજન સહાય, ટ્યૂશન સહાય, કોચીંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય વગેરેનો લાભ મેળવવા માટેની જોગવાઇઓ કરવામાં આવી છે. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કોઇપણ પ્રકારની સહાય માટે રૂા.૪.૫૦ લાખ તેમજ લોન માટે રૂા.૬.૦૦ લાખની કરવામાં આવી છે.

આ ઉપરાંત તમામ યોજનાઓમાં વ્યાજનો દર મહત્તમ ૫ % રાખવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને વિદેશ અભ્યાસની યોજના વિદેશમાં અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લોકપ્રિય નિવડી છે. કારણ કે, આ યોજનામાં લોનના હપ્તાની ચુકવણી વિદેશમાં અભ્યાસ કર્યા બાદ એક વર્ષ નોકરી કર્યા બાદ ચૂકવવાની શરૂ થાય છે. આ ઉપરાંત એજ્યુકેશન લોન પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નિવડી છે.

તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ  કુટુંબો આ યોજનાનો લાભ મેળવે તે માટે આવક મર્યાદામાં વધારો કર્યો છે. જેથી લોન અરજીથી સહાય માટે અગાઉ કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા હતી તે રૂા.૩.૦૦ લાખથી વધારીને રૂા.૪.૫૦ લાખ કરી છે. તેમજ લોન માટે પણ લાભાર્થીને મુશ્કેલી ના પડે તે માટે કુટુંબની વાર્ષિક મર્યાદા વધારીને રૂા.૪.૫૦ લાખથી વધારીને રૂા.૬.૦૦ લાખ કરાઇ છે. આમ વધુને વધુ લાભાર્થીઓને લાભ મળે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. નિગમના ચેરમેન તેમજ પદાધિકારીઓ દ્વારા રાજ્યમાં જુદી જુદી જગ્યાએ કેમ્પ કરી અને વધુને વધુ લાભાર્થીઓ લાભ લે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે.

બિન અનામત નિગમ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશ અભ્યાસની ૨૨૩ અરજીઓ મંજૂર કરીને ૩૨.૪૩ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ તેમજ રિસર્ચ માટે જેવા કે, માસ્ટર ડીગ્રી ઇન કનસ્ટ્રકશન મેનેજમેન્ટ, ડેટા સીસ્ટમ તેમજ ક્લાઉડ મેનેજમેન્ટ, પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ, માસ્ટર ડીગ્રી ઇન ન્યુક્લીયર ટેકનોલોજી, ન્યુક્લીયર ફિઝીક્સ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ વગેરે જેવા નવીત્તમ પ્રોફેશનલ કોર્સ માટે પણ લોન આપવામાં આવે છે. વધુને વધુ વિદ્યાર્થીઓ આવા પ્રોફેશનલ કોર્સીઝમાં જવાનું વલણ ધરાવે છે.

શૈક્ષણિક અભ્યાસ યોજનાની ૬૭ અરજીઓ ૦૨.૭૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ ઉપરાંત સહાય માટે પણ ભોજન સહાયની ૭૧૦૦ અરજીઓ, ટ્યુશન સહાય, કોચિંગ સહાય તથા સ્પર્ધાત્મક તાલીમ સહાયની ૧૫૩૩ અરજીઓ મંજૂર કરી વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ  થયેલી છે. સ્વરોજગાર લક્ષી યોજના હેઠળ ૩૮ અરજીઓ ૦૧.૭૯ કરોડની લોન આપવામાં આવેલ છે. આમ, નિગમ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલી છે અને કુલ ૮,૯૬૧ લાભાર્થી વિદ્યાર્થીઓને કુલ રકમ રૂા.૪૭.૮૩ કરોડનો લાભ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધી કુલ વિદેશ અભ્યાસની ૪૧૯ અરજીઓના કિસ્સામાં ૬૧.૦૬ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક અભ્યાસ યોજનાની ૧૪૨ અરજીઓમાં ૦૫.૦૯ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ ઉપરાંત સહાય માટે પણ ભોજન સહાયની ૧૫,૬૧૬ અરજીઓ, ટ્યુશન સહાયની ૧,૭૨૫ અરજીઓ, કોચિંગ સહાયની ૬૬૫ અરજીઓ, સ્પર્ધાત્મક તાલીમ સહાયની ૨,૧૦૧ અરજીઓ મંજૂર કરી વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થયું છે. સ્વરોજગારલક્ષી લોન યોજના હેઠળ ૬૮ અરજીઓ ૦૨.૯૫ કરોડની લોન આપવામાં આવેલ છે. આમ, નિગમ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે અને કુલ ૨૦,૭૩૬ લાભાર્થી વિદ્યાર્થીઓને કુલ રકમ રૂા.૯૫.૦૨ કરોડનો લાભ આપવામાં આવ્યો છે.