CRPF જવાનોની હત્યા કરનાર નક્સલી ગુજરાત ATSના સકંજામાં

વલસાડ- ગુજરાત ATSની ટીમને રાજ્યમાં ચાલતા નક્સલવાદનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે વલસાડમાંથી એક નકસલવાદીની ધરપકડ કરી છે, આ નક્સલવાદી બિહારનો રહેવાસી છે અને તે અનેક હુમલાને અંજામ પણ આપ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાતની એટીએસની ટીમે વલસાડમાં દરોડા પાડ્યા હતાં. અહીં બાતમીના આધારે એક ફ્લેટમાં છૂપાયેલા નક્સલવાદીને દબોચી લીધો હતો. એટીએસની ટીમના જણાવ્યા પ્રમાણે આ નક્સલવાદીનું નામ રાજેશ ઉત્તમજી છે અને તે મૂળ બિહારનો રહેવાસી છે. રાજીવે અનેક હુમલાને અંજામ આપ્યો છે. જેમાં 10થી વધુ CRPFના લોકોની હત્યાની ઘટના પણ સામેલ છે. તો રાજીવ વિરુદ્ધ 50થી વધુ ગુનાઓ દાખલ છે.

ATSએ જણાવ્યું કે વર્ષ 2016માં રાજેશ રવિદાસ, અનીલ યાદવ, ચંદન નેપાલી અને અન્ય માઓવાદીઓએ ઓરંગાબાદ, બિહારના જંગલ વિસ્તારમાં IED બ્લાસ્ટથી હુમલો કર્યો હતો જેમાં CRPFના 10 કમાન્ડો સહીદ થયા હતા. ત્યારબાદ માર્ચ 2017માં CRPFને માહિતી મળી કે ગુરપાના જંગલમાં માઓવાદી સંગઠનનું એક મોટુ ગ્રૂપ કોઇ દેશ વિરોધી કૃત્યને અંજામ આપવા એકત્રિત થઇ રહ્યું છે જે આધારે CRPFની કોબ્રા બટાલીયને માઓવાદીઓને પકડી પાડવા માટે સમગ્ર વિસ્તારને ઘેર્યો હતો, આ દરમિયાન માઓવાદીઓએ ઓટોમેટિક રાઇફલથી હુમલો કર્યો હતો. પરંતુ 4 માઓવાદી ઠાર મરાયા હતાં અને મોટાપાયે હથિયાર કબજે કરાયા હતા. આ અથડામણમાં રાજેશ રવિદાસને હાથમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો, ત્યારબાદ તે પોતાની મૂળ ઓળખ છૂપાવી નાસતો ફરતો હતો.

વર્ષ 2018માં રાજેશ રવિદાસ દમણમાં આવ્યો હતો, અહીં તેણે પોતાની ઓળખ ગોપાલ પ્રસાદ તરીકે આપી અને થોડા સમય માટે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. ત્યારબાદ વલસાડ જિલ્લાના વાપી ખાતે મજૂરી કામ કરવા લાગ્યો હતો. આ દરમિયાન એટીએસ ગુજરાતને માહિતી મળી કે માઓવાદી સંગઠનના બિહાર ઝારખંડ (મગધ) વિસ્તારના સ્પેશિયલ એરિયા કમિટિના ઇન-ચાર્જ પદ્યુમન શર્માનો જમણો હાથ ગણાતા અને રાજગીર, બિહારના ઝોનલ કમાન્ડર રાજેશ રવિદાસ ઉર્ફ ગોપાલ પ્રસાદ ઉર્ફ ઉત્તમજી વાપીમાં છૂપાયેલો છે, જે આધારે એટીએસ ગુજરાતની ટીમે નક્સલવાદીને ઝડપી પાડ્યો છે. ત્યારે માઓવાદી સંગઠન બિહાર-ઝારખંડ વિસ્તારના એરિયા કમિટિ હેડ પ્રદ્યુમન શર્મા સાથે તેના હાલના સંબંધો અને તેની ગુજરાતમાં હાજરી અનુસંધાને પૂછપરછ કરવામાં આવી રહી છે.