વિદેશથી આવતાં મહેમાનો એરપોર્ટથી જ માણશે ગુજરાતી લોકજીવનની ઝાંખીઃ વાયબ્રન્ટ સમિટની વિશેષતા

અમદાવાદ– વાયબ્રન્ટ ગુજરાત  ગ્લોબલ સમિટ-૨૦૧૯ કાર્યક્રમ માટે દેશ વિદેશથી મુલાકાત લેનાર મુલાકાતીઓને એરપોર્ટ ઉપર કોઇપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટ બ્યૂટીફિકેશનની કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુથી ૧૮ જાન્યુઆરી ૨૦૧૯ થી ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯નું આયોજન કરવામાં આવનાર છે. આ ઇવેન્ટ દરમિયાન દેશ-વિદેશથી મહાનુભાવો તેમજ મલ્ટીનેશન કંપનીનાં સી.ઇ.ઓ. આવનાર હોઇ, અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓને ગુજરાતની ઝાંખી, રાજ્યનાં ઉદ્યોગ અને રોકાણ ક્ષેત્રમાં થયેલ નોંધપાત્ર વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલ રોકાણની વિપુલ તકોથી પરિચિત કરવા જેવા મુદાઓને સાંકળી લઇ એરપોર્ટ બ્યૂટીફિકેશન કરવામાં આવશે.

એરપોર્ટ બ્યુટીફીકેશનની કામગીરી અંતર્ગત સમિટ દરમિયાન ટર્મીનલ ૧ અને ૨ના આગમન અને પ્રસ્થાન ઉપર સુવિધાઓથી સજ્જ વાયબ્રન્ટ ગુજરાત માટેની સ્પેશીયલ લોન્જ બનાવવામાં આવશે. તેમજ મહાનુભાવોને બેઠક વ્યવસ્થા અને ગંતવ્ય સ્થળે પહોંચવા લાયઝનીંગ ઓફીસર રાખવામાં આવેલ છે. સેરેમોનીયલ લોન્જની બાજુમાં કાર્યક્રમ માટે પધારનાર સ્ટેટ ઓફ હેડને ગાર્ડ ઓફ હોનર પણ આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન એરપોર્ટની અલગ-અલગ જગ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ૧૫૦મી મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી અને સ્વચ્છ ભારત અંગે થીમ પેવેલીયન બનાવવાનું આયોજન કરાયુ છે. એરપોર્ટને સુશોભીત કરવા માટે વિવિધ જગ્યાઓએ પ્લાન્ટેશન, લાઇટીંગ, મેક ઇન ઇન્ડિયાનું થ્રીડી સ્કલ્પચર, ફ્લાવર ડેકોરેશન વગેરે કામગીરી હાથ ધરાશે. સમિટમાં આવનારા મુલાકાતીઓને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની સંપૂર્ણ માહિતી મળી રહે તેમજ ગુજરાત રાજ્યનાં શરૂ થયેલ અને શરૂ કરવામાં આવનાર (ઇનીશીએટીવ્સ) પ્રોજેક્ટસની માહિતી મળી રહે તે માટે અલગ-અલગ જગ્યાએ એલ.ઇ.ડી સ્ક્રીન તેમજ ડીજીટલ કીયોસ્ક મુકવામાં આવશે.

આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯નું એરપોર્ટ ખાતે અલગ-અલગ જગ્યાએ બ્રાન્ડીંગ કરવામાં આવશે. જેવી કે, વુડન સ્ટેન્ડી, બોક્સ બ્રાન્ડીગ, સુશોભન માટેના રંગબેરંગી દ્વજ, હોર્ડીંગ્સ, વાયબ્રન્ટ ગુજરાત અંગેની માહિતીવાળી સ્ટેન્ડી, વોલ પેપર બ્રાન્ડીગ, અલગ-અલગ જગ્યાએ હેલ્પડેસ્ક અને મોબાઇલ ચાર્જર યુનિટ, એડમીન લોન્જની વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર એરપોર્ટની અલગ-અલગ જગ્યાએ ડેકોરેટીવ લાઇટીંગથી સુશોભીત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન દેશ-વિદેશથી આવતા મહાનુભાવોને એરપોર્ટ ઉપર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે સ્પેશિયલ કસ્ટમ અને ઇમિગ્રેશનની ડેડીકેટેડ કાઉન્ટર્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત એરપોર્ટ પર અલગ અલગ જગ્યાએ સ્થળ દર્શાવતા સાઈનેઝિશ મૂકવામાં આવશે. તેમજ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

એરપોર્ટ ખાતે મહાનુભાવોના સ્વાગત માટે ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા મુજબ સ્વાગત કરાશે. કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ક્લ્ચરલ ગ્રુપ દ્વારા સ્ટેજ શો કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન સલામતી અને સુરક્ષા જળવાઇ રહે તે માટે રાજ્યની પોલીસ દ્વારા યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ, બેરિકેટિંગ અને પેટ્રોલિંગ તેમજ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા થશે. આકસ્મીક સંજોગોને પહોંચી વળવા એરપોર્ટ ખાતે તાત્કાલિક સારવાર હેતુ મેડિકલ સુવિધા, ફાયર ફાયટનિંગની વ્યવસ્થા અને ઇમરજન્સી રેસ્કયૂ અને ઈવેક્યુશન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે.