જીટીયુ કરશે હેરિટેજ જતન અને ભૂકંપ રીસર્ચ

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુમાં રાષ્ટ્રીય હેરિટેજ રીસર્ચ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં દેશના પુરાતન સ્મારકો અને ઈમારતોના વારસાના જતન, રક્ષણ અને વિકાસ તેમ જ ભૂકંપના પાસાંઓને લગતી બાબતોનું સંશોધન કરશે.

આ કેન્દ્રને કન્સલ્ટન્સી કાર્ય તરીકે સૌપ્રથમ ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાતનો પ્રોજેક્ટ પ્રાપ્ત થયો છે, જેમાં પાવાગઢના પહાડીક્ષેત્રમાં જીઓ ટુરિઝમ વિકસાવવા અંગેનો પૂર્વ સર્વેક્ષણ અહેવાલ તૈયાર કરાશે. આ માટે ખડકોના નમૂનાઓ એકત્ર કરવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

હેરિટેજને લગતા એન્જીનિયરીંગ મુદ્દાઓ જેવા કે ક્લોન વડે તેનું સર્વેક્ષણ, ધરતીકંપ થાય તો તેનાથી સંભવિત નુકસાન, રિનોવેશન માટેની માળખાકીય ડિઝાઈન, પુરાતન સ્મારકોના જતન અને તેના પર્યાવરણને બચાવવા અત્યાધુનિક રસાયણો તથા લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ જેવી બાબતોને આવરી લેવામાં આવશે. મેનેજમેન્ટ પાસાંઓમાં હેરિટેજ ઈમારતોનો પર્યટન તરીકે વિકાસ, તેના રિનોવેશન અને સંચાલન માટે અદ્યતન વ્યવસ્થા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં જીઓ ટુરિઝમ સરખેજના રોજા અને સિદ્દી સૈયદની જાળી સહિતના ભવ્ય સ્મારકોને ભૂકંપની અસરરહિતના બનાવવા શું કરવું તેનું સંશોધન પણ આ સેન્ટરમાં કરવાનું આયોજન છે. તે ઉપરાંત જયપુર, વારાણસી, અલ્હાબાદ, ઉદેપુર, ઉજ્જૈન વગેરે શહેરોની પુરાતન ઈમારતોને લગતા સંશોધનોને પણ તેના કાર્યક્ષેત્રમાં આવરી લેવાની વિચારણા કરવામાં આવી છે.

આ કેન્દ્રોમાં હાલમાં એલ.ડી. એન્જીનિયરિંગ કૉલેજ, સાલ એન્જીનિયરિંગ કૉલેજ, સિલ્વર ઓક એન્જીનિયરિંગ કૉલેજ, સોમ-લલિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ સીસ્મોલોજિકલ રીસર્ચ સહિતની ૩૦ કૉલેજો અને સંસ્થાઓ સંકળાયેલી છે.