GTU ટીમે રાષ્ટ્રીય રેસિંગ કાર સ્પર્ધામાં બીજું સ્થાન મેળવી રુ. 1.30 લાખના ઇનામો જીત્યાં ​

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુની મોટર સ્પોર્ટ્સ ટીમે રાષ્ટ્રીય સ્તરે નામ નોંધાવ્યું છે. નોઈડામાં યોજાયેલી એસએઇ સુપ્રા 2018 રાષ્ટ્રીય સ્પર્ધામાં જીટીયુની ટીમે બીજું સ્થાન મેળવ્યું છે અને અને રૂ.1.30 લાખના ઇનામો પણ જીત્યાં છે.જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં દેશભરની કોલેજોના 3000થી વધુ​વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એન્જીનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓએ કુલ 112 ટીમો તરીકે સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. વિજેતાઓ નક્કી કરવા ભારતીય ઓટો ઉદ્યોગના 70 નિષ્ણાતો તેમજ જર્મનીના ચાર નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં પૂર્વનિર્ધારિત ધારાધોરણ અને ડિઝાઇન મુજબ રેસિંગ કાર  હોય છે. આ સ્પર્ધા સતત સાતમા વર્ષે સફળતાપૂર્વક યોજાઇ હતી. તેમાં વિદ્યાર્થીઓના ઇનોવેશન અને ટેકનોલોજીને લગતા વિવિધ આઈડિયાનો સમન્વય જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રની પીપરી ચીચવડ કોલેજ ઓફ એન્જિનિયરિંગ પ્રથમ સ્થાને જ્યારે જીટીયુ મોટર સ્પોર્ટ્સ ટીમ બીજા સ્થાને રહી હતી. કુલ ૨૭ ટીમો ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી શકી હતી. જીટીયુની ટીમની આ સિદ્ધિ યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. ભવિષ્યમાં જીટીયુના વિદ્યાર્થીઓ આવી વધુને વધુ સ્પર્ધાઓમાં ભાગ લે તેના માટે યુનિવર્સિટી તમામ પ્રકારના પ્રોત્સાહનો પુરા પાડશે તેવું આશ્વાસન ડૉ. શેઠે આપ્યું હતું.