GTUને કેરીયર 360 રેન્કિંગમાં મળ્યું આ સ્થાન…

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુને કેરીઅર 360 તરફથી જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં પ્રથમ ત્રણમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં આઈઆઈટી, ગાંધીનગર અને એસવીએનઆઈટી, સૂરત પછી ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. તે રેન્કિંગમાં ભારતભરમાં જીટીયુને 90મો ક્રમ અને એએએ પ્લસ રેન્કિંગ આપવામાં આવ્યું છે.કરીઅર 360 તરફથી બહાર પાડવામાં આવેલા રેન્કિંગમાં જીટીયુને 550માંથી 178.72 સ્કોર પ્રાપ્ત થયો છે. આ સ્કોર નક્કી કરવામાં સંસ્થાના એકેડેમિક આઉટપુટ, ઈમ્પેક્ટ, બૌદ્ધિક સંપદા, ઉત્પાદકતા, લર્નિંગ જેવી બાબતોને ધ્યાનમાં લેવાઇ હતી. જીટીયુનો સ્કોર 70-79 પર્સન્ટાઈલની રેન્જમાં હોવાથી એએએ પ્લસ રેન્કિંગ ફાળવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે જીટીયુને 90મો રેન્ક પ્રાપ્ત થયો છે.

કેરીઅર 360 તરફથી વર્ષ 2013થી દર વર્ષે આશરે પાંચ હજાર કૉલેજો અને યુનિવર્સિટીઓને પસંદ કરવામાં આવે છે અને તેઓને વિગતો મોકલવાનું કહેવામાં આવે છે. તે વિગતો કેટલી પારદર્શી છે તેનો ક્યાસ કાઢીને સ્કોર નક્કી કરવામાં આવે છે. તે ઉપરાંત માળખાકીય સુવિધાઓ,અભ્યાસ બાદ રોજગારીનું પ્રમાણ, સંસ્થામાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓના સર્વેક્ષણ જેવી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.