GTU બહાર પ્રથમવાર પદવીદાન સમારોહ,15 વર્ષીય નિર્ભયે મેળવી ડીગ્રી,198 ગોલ્ડમેડલ અર્પણ

0
1993

ગાંધીનગર-  મહાત્મા મંદિરમાં ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીનો સાતમો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. રાજ્યપાલ ઓ પી કોહલી અને મુખ્યપ્રધાન વિજય રુપાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત અગ્રણી શિક્ષણશાસ્ત્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.જીટીયુના કેમ્પસના બદલે મહાત્મા મંદિરમાં પ્રથમવાર યોજાયેલા પદવીદાન સમારોહમાં ઇજનેરી, મેનેજમેન્ટ તથા વિવિધ વિદ્યાશાખાના સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટ પ્રોગ્રામના ૪,૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓને આ અવસરે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલ અને મુખ્યપ્રધાને ૧૯૮ ડીગ્રીધારકોને ઉત્કૃષ્ટતા માટેના ગોલ્ડ મેડલ પણ એનાયત કર્યા હતાં.રાજ્યપાલ કોહલીએ આ પ્રસંગે યુવા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે વિકસિત ભારતની સંકલ્પનામાં છાત્રશક્તિની અહેમ ભૂમિકા રહેલી છે. આ છાત્રશક્તિએ શિક્ષણના આયુધથી સજ્જ થવા સાથે ગ્રામીણ-અંતરિયાળ વિસ્તારોને પણ વિકાસની હરોળમાં લાવવાનું દાયિત્વ નિભાવવાનું છે. ડીગ્રી મળી જવાથી રોજગારની સમસ્યા હલ નથી થતી, આજના સમયમાં રોજગાર મેળવવો પ્રમાણમાં મુશ્કેલ કામ બની ગયું છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે GTUનો પદવીદાન સમારોહ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિએ જ યોજાયો છે ત્યારે નયા ભારતના નિર્માણ માટે કમર કસવાના અવસર તરીકે ઉપાડી લેવા આહવાન કર્યું હતું. તેમણે ગરીબી, બેરોજગારી સહિતની સમાજ સમસ્યાઓના સમાધાન માટે યુવાછાત્રોને સાયન્સ-ટેક્નોલોજીનો મહત્તમ વિનિયોગ કરવાની પણ શીખ આપી હતી.

આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશનના વાઇસ ચેરમેન ડૉ. એમ. પી. પૂનિયાએ GTUના છાત્ર માત્ર GTUના વિદ્યાર્થી જ નહિં, ગાંધીના ગુજરાતના યુવાનો છે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમના અંતિમ ચરણમાં GTU વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ. નવીન શેઠે યુનિવર્સિટીની વાર્ષિક ગતિવિધિઓનું વિવરણ એન્યુઅલ રીપોર્ટ દ્વારા કર્યું હતું. સમારોહની વિશેષતા એ હતી કે સાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ  ટેકનોલોજી એન્ડ એન્જીનિયરિંગ રીસર્ચમાં ચાર વર્ષનો કોર્સ એક વર્ષમાં પૂરો કરીને ચારેય વર્ષની પરીક્ષા એક જ વર્ષમાં પાસ કરી દેનાર ૧૫ વર્ષના કિશોર (વંડર બોય) નિર્ભય ઠાકરને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પદવી એનાયત કરવામાં આવી હતી. તેણે આ પરીક્ષા 8.23સીજીપીએ સાથે પાસ કરી હતી. આ અગાઉ તે 8 થી 12 ધોરણની પરીક્ષાઓ એક જ વર્ષમાં પાસ કરી ચૂક્યો છે. સમારોહના સ્થળે નિર્ભયે આપેલી મુલાકાતમાં જણાવ્યું કે હું રોજના છ કલાક વાંચન જ કરતો હતો. મારે વિદ્યાર્થીઓને એટલો જ સંદેશ આપવો છે કે અભ્યાસ કરવામાં ટેન્શન ન રાખો અને વાલીઓને એટલો જ સંદેશ આપવો છે તમારા સંતાનો પર ભણવા માટે દબાણ ન કરો. અભ્યાસને કેવળ ગોખણિયું જ્ઞાન બનાવવાને બદલે તેને સમજવામાં આવે તો તેને યાદ રાખવું પડતું નથી.