GST દરોડામાં 6,030 કરોડના બોગસ બિલો ઝડપાયાં, 282 સ્થળો પર સપાટો

અમદાવાદ- રાજ્યમાં બજેટ રજૂ થવાનો સમય નજીક છે ત્યારે રાજ્યમાં એક મહત્ત્વની આર્થિક ગતિવિધિમાં સ્ટેટ જીએસટી ટીમે ભારે સપાટો બોલાવ્યો હોવાના રીપોર્ટ છે. જીએસટીના અમલ પછી સ્ટેટ જીએસટી વિભાગે 282 સ્થળો પર દરોડા પાડ્યાં હતાં, જેમાં બોગસ બિલીંગના સંખ્યાબંધ કેસો મળી આવ્યાં છે. આવા કેસમાં બોગસ બિલો ઈસ્યુ કરનાર 15 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ સ્ટેટ જીએસટી વિભાગે રૂપિયા 35 કરોડથી વધુ રકમની રીકવરી કરી છે. દરોડાઓ દરમિયાન તપાસ અધિકારીઓએ અંદાજે રૂપિયા 6030 કરોડના બોગસ બિલીંગ વ્યવહારો ઝડપ્યાં છે.

દરોડામાં મળેલાં ડેટાના વિશ્લેષણમાં જીએસટી રજિસ્ટ્રેશનના આધારે બોગસ બિલીંગની પ્રવૃત્તિ થતી હોવાનું સ્ટેટ જીએસટી વિભાગના ધ્યાને આવ્યું હતું. જેમાં 282 જીએસટી રજિસ્ટ્રેશન થકી બોગસ બિલીંગ પ્રવૃતિ થતી હોવાનું જણાયું હતું. તેના સામે આજે 29 જૂનના રોજ સવારે 11 વાગ્યે રાજ્યવ્યાપી દરોડા શરૂ કર્યા હતાં. અને આ દરોડાની કામગીરીમાં 282 ટીમ જોડાઈ હતી.

દરોડા દરમિયાન તપાસ અધિકારીઓને અંદાજે રૂપિયા 6,030 કરોડના બોગસ બિલીંગના વ્યવહારો મળી આવ્યાં છે. આર્થિક વ્યવહારોમાં ખોટી વેરાશાખ મેળવવા માટેના બોગસ બિલોના વ્યવહારો અને ટર્નઓવર વધારવા સરક્યુલર બિલીંગના વ્યવહારોનો સમાવેશ થાય છે. જેમાં અંદાજે 910 કરોડનો વેરો સંડોવાયેલો છે. સાથે બોગસ બિલો થકી વેરાશાખ મેળવી લીધી હોય તેવા હજારો વેપારીઓ પણ વિભાગના ધ્યાને આવ્યાં હતાં.

સમગ્ર રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યાં હતાં. તેમાં અમદાવાદમાં 84 સ્થળો પર, સૂરતમાં 62 સ્થળો પર, મોરબીમાં 55 સ્થળો પર, ભાવનગરમાં 17 સ્થળો પર, વાપીમાં 16 સ્થળો પર, ગાંધીધામમાં 13 સ્થળો પર, રાજકોટમાં 10 સ્થળો પર, ગાંધીનગરમાં 9 સ્થળો પર, વડોદરામાં 7 સ્થળો પર અને અન્ય 9 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.