દાહોદ એમ એન્ડ પી શાળામાં ધો.10નું ગુજરાતીનું પેપર લીક, સંચાલકોની સંડોવણી

દાહોદ– રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં પણ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ રાબેતા મુજબ શરુ થઇ ગઇ હતી. ધોરણ ૧૦ની પરીક્ષા શરૂ થતાં જ શહેરની એમ એન્ડ પી હાઈસ્કૂલમાંથી પેપર લીકેજ થયું હોવાની જિલ્લા કલેક્ટરને માહિતી મળી હતી. કલેક્ટરના આદેશથી મામલતદારે રૂમનું તાળું તોડી ચકાસણી કરતાં અંદરથી ગુજરાતી વિષયના આજના પેપરના ટુકડા મળી આવ્યાં હતાં. બોર્ડનું લીકેજ થયેલ ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર રૂમમાં કોણ લાવ્યું અને કેવી રીતે આવ્યું એ તપાસનો વિષય બન્યો છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના ધોરણ ૧૦માં અભ્યાસ કરતા ૩૩,૭ર૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જિલ્લામાં બોર્ડની પરીક્ષા શાંતિમય વાતાવરણમાં શરૂ થયાંની મિનિટોમાં દાહોદ જિલ્લા કલેક્ટર જે. રંજીથકુમારને ફોન પર માહિતી મળી હતી કે, દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલી એમ એન્ડ પી હાઈસ્કૂલની બિલ્ડિંગના એક રૂમમાંથી આજના ગુજરાતી પ્રશ્નપત્રની હેરાફેરી થઈ રહી છે. ઉપરોક્ત બાતમીને ધ્યાને લઈને મામલતદારને ઘટનાસ્થળે મોકલી ચકાસણી કરવાના આદેશ અપાાયાં હતાં. દાહોદ મામલતદાર દ્વારા એમ એન્ડ પી હાઈસ્કૂલના વ્યવસ્થાપકના રૂમની ચકાસણી કરી શાળાના આચાર્ય પાસે રૂમની ચાવી માગી હતી. પરંતુ ચાવી નહીં હોવાનું જણાવતા ચાવી માટે ઘણી રાહ જોયા બાદ રૂમનું તાળું તોડી અંદર પ્રવેશ કરાયો હતો. રૂમમાંથી મામલતદારે ઝેરોક્ષ મશીન, તાજું ગુલાબનું ફૂલ, અને બોર્ડ દ્વારા લેવાયેલ ગુજરાતી વિષયના પ્રશ્નપત્રની નકલના ટુકડા મળી આવ્યાં હતાં. મામલતદારએ બોર્ડની એક્ઝામ પૂર્ણ થયા બાદ પ્રશ્નપત્ર અને રૂમમાંથી મળી આવેલ પ્રશ્નપત્રના ટુકડાની ચકાસણી કરતા આજનું જ પ્રશ્નપત્ર હોવાનું ફલિત થયું હતુ. જેથી દાહોદ મામલતદાર અને તેની ટીમ દ્વારા પ્રશ્નપત્ર લીકેજ થયાં અંગેનું પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઘટનાક્રમઃ

મેનેજમેન્ટ રૂમનું પંચનામા સાથે તાળું તોડાયું : મામલતદાર

કલેક્ટરના આદેશથી મેનેજમેન્ટ રૂમ ખોલવા શાળાના આચાર્યને જાણ કરવામાં આવી હતી. પરંતુ ચાવી મારી પાસે નહીં હોવાનું જણાવી મંગાવી આપવા જણાવ્યું હતુ. લાંબો સમય રૂમની ચાવી નહીં આવતાં મામલતદારએ તાળાં તોડનારને બોલાવી જહેમત બાદ રૂમ ખોલાવ્યો હતો.

રૂમમાંથી તાજુ ગુલાબનું ફુલ અને પ્રશ્નપત્રના ટુકડા મળ્યા
રૂમની અંદર પંચનામા દરમિયાન મોનોઝેરોક્ષ કાઢેલા આજના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રના ટુકડા મળી આવ્યાં છે. આ રૂમ બંધ હતો. રૂમની ચાવી હતી નહીં તો પછી રૂમની અંદર ગુજરાતી વિષયનું આજનું પ્રશ્નપત્રની ઝેરોક્ષ ક્યાંથી આવી એ તપાસનો વિષય છે.

મોનોઝેરોક્ષ કાઢ્યાંનો રીપોર્ટ મળ્યો
રૂમની અંદર ઝેરોક્ષ મશીનની બાજુમાં મોનોઝેરોક્ષ માટેના કાગળ મળી આવ્યાં હતાં. તેમ જ ઝેરોક્ષ મશીનમાંથી રીપોર્ટ કાઢતા મોનોઝેરોક્ષ થયાનું બહાર આવ્યું છે. પેપરની કેટલી મોનોઝેરોક્ષ કાઢવામાં આવી છે તે તો તપાસ બાદ જ ખબર પડશે.સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ પ્રશાસન દ્વારા આપી દેવામાં આવ્યાં છે.