સાણંદમાં સરકાર પ્લાસ્ટિક પાર્કનું નિર્માણ કરશે: મુખ્યપ્રધાન

  • પ્લાસ્ટઇન્ડિયા-૨૦૧૮નો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન વિજય રુપાણી
  • પ્લાસ્ટિક ઉદ્યોગના વિશ્વના ત્રીજા સૌથી મોટા પ્રદર્શનનું ગાંધીનગરમાં ૧૨ ફેબ્રુઆરી સુધી આયોજન
  • ૫૦ દેશોના પ્રતિનિધિઓ – ભારતના ૨ હજાર એક્ઝિબિટર્સ ભાગ લેશે
  • દેશના ચોથા ભાગનું પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરીને ગુજરાત મોસ્ટ ઇકો ફ્રેન્ડલી સ્ટેટ તરીકે ઉભર્યું છે
  • દેશના પોલિમર ઉત્પાદનમાં ગુજરાતનો ૫૦ ટકાથી વધુ ફાળો
  • રાજ્યમાં ૧૦ હજારથી વધુ પ્લાસ્ટિક ઉદ્યોગો ૮૨ હજારથી વધુ રોજગાર અવસર આપે છે
  • પ્લાસ્ટિક ઉદ્યોગોમાં યુવા સ્ટાર્ટઅપ- નવા ઇનોવેશન્સ- રિસર્ચને વેગ આપવા વાપીમાં પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી

ગાંધીનગર– ગુજરાતમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના વ્યાપ દ્વારા રોજગાર નિર્માણ, ઇનોવેશન્સ સ્ટાર્ટઅપ જેવા આધુનિક આયામોની નેમ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ વ્યક્ત કરી છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એ ભવિષ્યનું વિકાસનું નવતર ક્ષેત્ર છે એમ તેમણે જણાવ્યું હતું. પ્લાસ્ટિક ઉદ્યોગકારો, ઉદ્યોગોને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્યનો બીજો પ્લાસ્ટિક પાર્ક નિર્માણ થશે. ભરૂચના દહેજમાં આ પ્રકારનો ડેડિકેટેડ પ્લાસ્ટિક પાર્ક રાજ્ય સરકારે કાર્યરત્ કર્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં યોજાઇ રહેલા પાંચ દિવસીય પ્લાસ્ટઇન્ડિયા-૨૦૧૮ એક્ઝિબિશન- કોન્ફરન્સ અને કન્વેન્શનનો આજે બુધવારે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક ઉત્પાદનો ‘ઝિરો ડિફેક્ટ’ પર્યાવરણ પ્રિય ઉત્પાદનો બની રહે તથા રિસાયકલિંગ અને ન્યૂ ઇન્વેન્શન્સથી પ્લાસ્ટિક ઉત્પાદનો વધુ સહજ બને તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે. આ માટે ગુજરાત સરકારે પ્લાસ્ટિક ઉદ્યોગની ટેક્નોલોજીમાં નવા શોધ-સંશોધનોને વેગ આપવા વાપીમાં પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્થાપનાની પ્રક્રિયા ગતિમય બનાવી છે તેની ભૂમિકા મુખ્યપ્રધાને આપી હતી. રાજ્યમાં પ્લાસ્ટિક-પોલીમર્સના ઉદ્યોગોના વિકાસની તેજ રફ્તાર સરકારે જાણીને સ્પેસિફિક પ્લાસ્ટિક પોલિસી ઘડી છે અને ઉદ્યોગકારોના સૂઝાવને આધારે તેને વધુ ઇન્ડસ્ટ્રિયલ ફ્રેન્ડલી બનાવી છે, તેમ ઉમેર્યું હતું.તેમણે કહ્યું કે દેશના પોલિમર ઉત્પાદનમાં ૫૦ ટકાથી વધુ ફાળો ગુજરાતનો છે. એટલું જ નહિં, દેશના ચોથા ભાગનું પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરીને ગુજરાત મોસ્ટ ઇકોફ્રેન્ડલી સ્ટેટ તરીકે ઊભરી આવ્યું છે. મુખ્યપ્રધાને પ્લાસ્ટિક ઉદ્યોગોના રાજ્યમાં ૧૦ હજારથી વધુ એકમો કાર્યરત છે તેની છણાવટ કરતા ઉમેર્યું કે આમાના અધિકાંશ ઉદ્યોગો MSME સેક્ટરના છે અને ૮૨,૦૦૦ લોકોને રોજગાર અવસર પૂરા પાડે છે. ઔદ્યોગિક રોકાણમાં આ ઉદ્યોગો 5,580 કરોડનું રોકાણ ધરાવે છે.