દોઢ દાયકો વીત્યાં બાદ હવે ગોધરાકાંડ મૃતકોના પરિજનોને મળશે સહાય, 260 કરોડની…

ગાંધીનગરઃ ગોધરાકાંડની ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યાં હતાં તેમના વારસદારોને સરકારે સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રુપિયાની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રુપિયા 260 લાખની સહાય મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી ચૂકવવામાં આવશે.

આ મામલે માહિતી આપતા ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાત વડી અદાલતના ક્રિમીનલ અપીલ નં. 556/2011 માં તા.09/10/2017 ના ચુકાદાથી તા.27/02/2002 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલ બનાવમાં મૃત્યુ પામેલાના વારસદારોને તથા ઈજાગ્રસ્ત થયેલ તમામને સહાય ચુકવવા આદેશ કર્યો છે. જે ચુકાદા અનુસાર, ગોધરાના બનાવમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના વારસદારોને રાજ્ય સરકાર દ્વારા રૂ. 5 લાખ તથા રેલ્વે મંત્રાલય દ્વારા રૂ. 5 લાખ ચુકવવાના થાય છે. જે અનુસાર રાજ્ય સરકારે તમામ મૃતકોના વારસદારોને રૂ.5 લાખ સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે.

ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું કે ગોધરાના આ દુ:ખદ બનાવમાં કુલ 59 વ્યકિતઓ મૃત્યુ પામ્યા હતા. તે પૈકી કુલ ૫૨ વ્યક્તિઓની ઓળખ થઇ છે અને 7 વ્યક્તિઓની ઓળખ થઇ નથી. મૃત્યુ  પામેલ કુલ 52 લોકોના વારસદારોને રૂ. 5 લાખ લેખે કુલ રૂા. 260 લાખની સહાય ચુકવવા માટે મુખ્યપ્રધાનના રાહત ફંડમાંથી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના હવાલે નાણાં મુકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અસરગ્રસ્ત લાભાર્થીઓને સહાય પહોંચાડી શકાય તે માટે નીચેની વિગતોની સાથે સભ્ય સચિવ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી, પ્રથમ માળ, એડવૉકેટ ફેસેલિટી બિલ્ડીંગ, “એ” વીંગ ગુજરાત હાઇકોર્ટ કોમ્પલેક્ષ, સોલા, અમદાવાદ – 380060 (ટેલિફોન નં. 079-27665400)નો સંપર્ક સાધવાનો રહેશે.

તો આ સાથે ગોધરા ખાતે તા.27/02/2002 ના રોજ સાબરમતી ટ્રેનમાં આગ લગાડવાના મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ,  મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારનું નામ અને હાલનું  સરનામું, વારસદારનો મોબાઈલ નંબર, મૃત્યુ પામનાર વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર,  વારસદાર અંગેના સરકારી આધાર પુરાવા, વારસદારનું ફોટા સાથેનું ઓળખપત્ર સહિતની વિગતો પણ રજુ કરવા રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે.