ગુજરાતના કૃષિ વિકાસ દરમાં ડબલ ડિજિટની વૃદ્ધિ થઈ છેઃ વિજય રૂપાણી

ગાંધીનગર/નવી દિલ્હી – ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નીતિ આયોગની 4થી ગવર્નિંગ કાઉન્સિલની આજે અહીં મળેલી બેઠકમાં ભાગ લેતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ સમાજકલ્યાણ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી તેના લાભ રાજ્ય સરકારે સુપેરે પહોંચાડ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રૂપાણીએ કહ્યું કે છેલ્લા દોઢ દાયકામાં ગુજરાતના કૃષિ વિકાસ દરમાં ડબલ ડિજીટની વૃદ્ધિ થઈ છે. રાજ્યના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપીને તેમની જમીનની ગુણવતાની જાણકારી વ્યાપક રૂપે અપાઈ છે એટલું જ નહીં માઈક્રો ઈરીગેશન માટે સબ્સિડી પણ સરકાર આપે છે. રાજ્ય સરકારે તાજેતરમાં હાથ ધરેલા ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ની સફળતા વર્ણવતા રૂપાણીએ કહ્યું કે 12,000 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા આના કારણે વધશે અને 32 નદીઓ પુનર્જીવિત થઈ છે.

રૂપાણીએ ઉમેર્યું કે રાજ્ય સરકારની જીએસએફસી અને જીએનએફસી જેવી ફર્ટિલાઇઝર ઉત્પાદક કંપનીઓ ખેડૂતોને ખાતરનો યોગ્ય ઉપયોગ કરવા માટે જે માર્ગદર્શન આપી રહી છે તેને પરિણામે ઓછા ખાતર ઉપયોગથી મહત્તમ ખેત ઉત્પાદન મેળવી શકાયું છે. ગુજરાતમાં 4.25 લાખ નવા કરદાતાઓ જી.એસ.ટી. તહેત નોંધાયા છે. રાષ્ટપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિને ગુજરાત સરકાર ગાંધીજીના માતૃરાજ્ય તરીકે ભવ્ય રીતે ઉજવશે એમ પણ રૂપાણીએ બેઠકની ચર્ચામાં સહભાગી થતા જણાવ્યું હતું.