ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 4 જાન્યુઆરીએ

જૂનાગઢધાર્મિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ અદ્કેરૂ સ્થાન ધરાવતા ગુજરાતનાં માઉન્ટ ગિરનાર પર્વત પર આરોહણ અને અવરોહણ માટે પ્રતિવર્ષ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજાય છે. સ્પર્ધામાં જોડાવા માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા યુવાનો પાસેથી ફોર્મ આવકારાય છે. આ વખતે 7 જાન્યુઆરી, 2018ના રોજ યોજાનાર રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા ૩૩મી વખત યોજાવા જઇ રહી છે. 4 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાનાર છે.

યુવાનોએ ગિરનારનાં પગથીએ દોટ મુકવા સ્પર્ધામાં સહભાગી બનવા નામાંકન કરાવી ચુક્યા છે. હજુ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જોડાવા ફોર્મ સ્વીકારાઇ રહ્યા હોય સ્પર્ધકોનું નામાંકન દિન-પ્રતિદીન વધી રહ્યુ છે ત્યારે જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટર પી.વી.અંતાણીએ યુવાનોને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જોડાવા અનુરોધ કરતા જણાવ્યુ હતુ કે દેશનું ગૈારવ કહી શકાય તેવી અખીલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આવનાર ૪ ફેબ્રુઆરીએ યોજાનાર હોય અણમોલ તકને ચેલેન્જ સ્વરૂપે સ્વીકારી રમત-ગમત ક્ષેત્રે પ્રતિભાને નિખાર આપવા આગળ આવવુ જોઇએ.  

રાજ્ય કક્ષાની સ્પર્ધાનાં સ્પર્ધકોને શિલ્ડ, મોમેન્ટો અને રૂા. ૪૫,૦૦૦નાં રોકડ પુરસ્કાર અને મેરીટ પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં મેરીટમાં ઉતિર્ણ ચારેય જુથનાં વિજેતાને પ્રતિ એકથી દસ ક્રમે હાંસલ કરનારને રૂા. ૧,૩૭,૫૦૦ લેખે ચારેય ગૃપને રૂા. ૫.૫૦ લાખનાં ઈનામો, શિલ્ડ, મોમેન્ટો, મેરીટ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે.

તસ્વીર અને અહેવાલ- વિજય ત્રિવેદી