ગ્લોબલ ફાયનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ગિફ્ટ સિટીને ત્રીજું સ્થાન મળ્યું

ગાંધીનગર- આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચસ્તરીય અને સ્પર્ધાત્મક વિશાળ પ્રોજેક્ટ્સની સર્વેક્ષણ અને અભ્યાસ કરતી લંડન સ્થિત ઝેડયેન નામની સંસ્થાએ જારી કરેલા ગ્લોબલ ફાયનાન્સીયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી પ્રોજેક્ટને વિશ્વમાં સૌથી વધુ ઉભરતાં નાણાકીય સંસ્થાનો પૈકી ત્રીજો ક્રમ આપ્યો છે.

ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો માટેના સૌથી મહત્વના મંચ તરીકે ગિફ્ટ સિટી તરીકે ઓળખાવી છે. આગામી પાંચથી સાત વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલર્સ સુધીના નાણાકીય વ્યવહારો સુધી પહોંચવાની ક્ષમતા ભારત ધરાવે છે ત્યારે, આગામી સમયમાં ગિફ્ટ સિટી નાણાકીય સંસ્થાનોનું મહત્વનું કેન્દ્ર બનશે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડીમાં આજે ગિફ્ટ સિટીના બહુઆયામી પ્રોજેક્ટસમાં રહેલી ઉજ્જવળ તકો અંગે યોજાયેલા ગિફ્ટ આઇએફએસસી – એ ન્યુફાયનાન્સીયલ ગેટ વે ઓફ ઇન્ડિયા શીર્ષક હેઠળના સેમિનારમાં ઉક્ત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

જેમાં ગિફ્ટ સિટીના મજબૂત પાસાઓ અને પરિબળોને ધ્યાને લેવામાં આવ્યા છે. ભારતની સૌથી વધુ ઝડપથી વિકસી રહેલી અર્થ વ્યવસ્થા એ આ ગિફ્ટ સિટીના વિકાસમાં ઉદ્દીયપકનું કામ કરે છે. આ ઉપરાંત અહીં ઉપલબ્ધ કુશળ માનવ સંસાધન, દરિયાપાર દેશોની નાણાકીય સેવાની વધતી જતી માગ જેવી મહત્વપૂર્ણ બાબતોને માનક ગણવામાં આવી છે. ઉપરાંત, સ્માર્ટ સિટી તરીકે કાર્યરતએવા ગિફ્ટ સિટીમાં રહેલી ઉચ્ચ ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓને પણ ધ્યાને લેવામાં આવી છે. આ સંજોગોમાં ભારતના નાણાકીય પ્રવૃત્તિનું ઉભરતું કેન્દ્ર સ્થાન ગણાવ્યું છે.

ગ્લોબલ ફાયનાન્સીયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ગિફ્ટસિટીના એરિયા, બિઝનેસ એન્વાયરેમેન્ટ, હ્યુમનકેપિટલ ફેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાયનાન્સીયલ સેક્ટર ડેવલપમેન્ટ ફેકટર, રેપ્યુટેશન સહિતની બાબતોને ધ્યાને લેવામાં આવી હતી અને તેના આધારે ગુણાંક આપવામાં આવ્યા હતા. જેમાં ગિફ્ટ સિટીને ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે.

ઊર્જાપ્રધાન સૌરભ પટેલ આ સેમિનારમાં ઉપસ્‍થિત રહ્યાં હતાં. તેમણે જણાવ્‍યું કે, ગુજરાત પહેલું રાજ્ય છે જેણે આવો દૂરંદેશિતાભર્યો ઇનિશિએટીવ લઇને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના સંસ્‍થાનને વ્‍યૂહાત્‍મક રીતે વિકસાવ્‍યું છે. આવું ફાઇનાન્‍સિયલ સેન્‍ટર રાષ્‍ટ્રના વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે તથા ગ્રોથરેટ અને સર્વિસ સેકટરને ઊંચા લાવવામાં પણ ઉપયોગી થાય છે. રાજ્ય સરકારે જયારે મોટું મૂડીરોકાણ કરીને- સાહસ કરીને શ્રેષ્‍ઠ નાણાકીય કેન્‍દ્ર વિકસાવ્‍યું છે ત્‍યારે મોટા કોર્પોરેટ સેકટર તથા કંપનીઓએ તેનો યોગ્‍ય લાભ લેવો જોઇએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ સેમિનારના મુખ્ય વક્તા અને કેન્દ સરકારના નાણા વિભાગના આર્થિક બાબતોના સચિવ  સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું કે, સ્થાનિક અને જાગતિક નાણાકીય તરલતાને ધ્યાને લઇને સરકાર દ્વારા નાણાકીય સંસ્થાનો બાબતે નિર્ણય લેવાના થતા હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે જે સ્થાનિક બાબતોમાં અનુકૂળ હોય તેવી બાબતો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિકૂળ અસર કરતી હોય છે. આા છતાં, ગ્લોબલ ઇક્વિટી ફંડ, ગ્લોબલ ફાયનાન્સીયલ એસેટને ધ્યાને રાખીને ગિફ્ટ સિટીમાં એક જ રેગ્યુલેટર (નિયંત્રક) હેઠળ લાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે.

રાત્રિમાં ગિફ્ટ સિટીનો આકર્ષક દેખાવ

ગિફ્ટ સિટીને એક જ નિયંત્રક હેઠળ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખરડાનો મુસદ્દો તૈયાર કરી દેવામાં આવ્યો છે, તેમ કહેવા શ્રી ગર્ગે ઉમેર્યું કે, ટૂંક સમયમાં આ મુસદ્દો સંસદમાં મૂકાશે અને એ પારિત થતાં ગિફ્ટ સિટીને એક જ નિયંત્રક હેઠળ મૂકવામાં આવશે. આ બિલ ભવિષ્યની ગિફ્ટ જેવી સંસ્થાઓને પણ આવરી લેવામાં આવી છે.

આઇઆરડીઆઇના ચેરમેન શ્રી સુભાષચંદ્ર ખુંટિયાએ ભારતમાં વીમા કંપનીઓ માટે રહેલી તકો વિશે માહિતી આપતા કહ્યું કે, ભારતની કૂલ ઘરેલું ઉત્પાદન વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. તેની સાપેક્ષે વીમા હેઠળ આવરી લેવાયેલા લોકોનું પ્રમાણઓછું છે. પણ, કેન્દ્ર સરકારે શરૂ કરેલી ફસલ બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના, આયુષ્યમાન ભારત જેવી યોજનાએ વીમા સેકટરમાં મોટું રોકાણ લાવ્યું છે. કેન્દ્ર સરકારે જ આ યોજનાઓમાં ૧૧૨ મિલિયન લોકોને વીમા હેઠળ આવરી લીધા છે.

છેલ્લા એક વર્ષમાં વીમાક્ષેત્રનો ખૂબ જ વિકાસ થયો છે. જીવન વીમાનો વિકાસદર ૧૧ ટકા અને સામાન્યવીમાનો વિકાસ દર ૧૮ ટકા થયો છે. આ આંકડા પરથી ખ્યાલ આવે છે કે વીમાક્ષેત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ ક્ષેત્રમાં રોજગારસર્જન મોટા પ્રમાણમાં કેર છે. ત્યારે, ગિફ્ટ સિટી એક કોમન ફાયનાન્સીય પ્લેટફોર્મ તરીકે મહત્વનું પરિબળ બની શકે છે.

સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના ચેરમેન  રજનીશકુમારે કહ્યું કે, ગિફટ સિટીનું બિલ્‍ડીંગ આઇકોનિક છે. બાંધકામ અને સુવિધામાં કોઇ પ્રકારની બાંધછોડ કરવામાં આવી નથી. ગુજરાત અને નાણાંકીય બાબતોનો અદ્દભૂત સમન્‍વય થયો છે. ગુજરાતીઓ પાસે નાણાંકીય બાબતોની આગવી સૂઝબૂઝ છે તેનો પણ ગિફટસિટીને લાભ મળશે.

કોટક મહિન્દ્રા બેંકના એમડી  ઉદય કોટકે ગિફ્ટ સિટીમાં ચાર ક્ષેત્રનો સારી રીતે વિકાસ થઇ છે, તેવું પોતાનું મંતવ્ય પ્રસ્તુત કર્યું હતું. તેમણે કહ્યું કે (૧) બેંકિંગ (૨) એક્સચેન્જ અને કેપિટલ (૩) એસેટ મેનેજમેન્ટ (૪) રિઇન્સ્યુરન્સ આ ચાર ક્ષેત્ર માટે ગિફ્ટ સિટીમાં એકદમ અનુકૂળ વાતાવરણ છે. અમે બેંકિંગ કામ ગિફ્ટ સિટીમાં શરૂ કરી દીધું છે. અત્યારે શાંઘાઇ, હોન્ગકોંગ જેવા દેશો કરતા આપણું ભારતીય માર્કેટ એશિયન કે આશિયાન ક્ષેત્રમાં એકદમ ઉત્તમ છે. ભારતીય નાણાકીય ક્ષેત્રની બુદ્ધિપ્રતિભા વિદેશમાં સ્થાયી થાય છે, એમના માટે ગિફ્ટ સિટી વધુ સવલતભર્યું અને અનુકુળ છે.

હોંગકોંગ જેવું શહેર ચાઇનાને ડેવલપ થઇને મળ્યું છે, જેના વિકાસમાં એક સો વર્ષ કરતા પણ વધુનો સમય લાગ્યો છે. તેની સામે માત્ર બે વર્ષમાં ગિફ્ટ સિટીનો વિકાસ ખૂબ જ ગતિમાં થયો છે. હવે જ્યારે, સિંગલ રેગ્યુલેટર આવશે ત્યારે તે એકદમ તેજ ગતિથી કાર્ય કરવા લાગશે. ત્યારે આંતરરાષ્ટ્રી બેંકોને હું અમારા અનુભવના આધારે ગિફ્ટ સિટીમાં આવવા ઇજન આપું છે.

લંડન સ્થિત ઝેડયેનના માર્ક વેન્ડીએ ગ્લોબલ ફાયનાન્સીયલ સેન્ટર્સ ઇન્ડેક્સનો રિપોર્ટ જાહેર કરતા ગિફ્ટ સિટીના વ્યવસ્થાપકોને ઝડપથી ડેવલપ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે વિશ્વભરમાંથી કૂલ ૧૦૦ નાણાકીય કેન્દ્રો પર સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જે પૈકી ૧૫ સંસ્થાની આખરી પસંદગી થઇ હતી. જેમાં સૌથી ઝડપથી ઉભરતા નાણાકીય કેન્દ્ર તરીકે ત્રીજા સ્થાને ગિફ્ટ સિટી રહ્યું છે.

ગિફ્ટ સિટીના એમડી  અજય પાંડેએ પ્રારંભે કહ્યું કે ગુજરાત ફાયનાન્સીય ટેકસિટીમાં ૨૦૦થી વધુ કંપની જોડાઇ ચૂકી છે. ૮ હજારથી વધુ લોકોને રોજગારી મળી છે. ૧૬ મિલિયન સ્ક્વેરફિટ એરિયાની ફાળવણી થઇ ગઇ છે.

બાદમાં ઓપોર્ચ્યુનિટી ફોર ઇન્ટર કનેક્ટ બિટવીન ગ્લોબલ એક્સચેન્સ તથા બિઝનેસ પોટેન્સીયલ ફોર બેંકિંગ ઇન આઇએફએસસી વિષય બે ચર્ચા સત્રો યોજાયા હતા. જેમાં દેશવિદેશના તજજ્ઞોએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.

આ સેમિનારમાં ગિફ્ટ સિટીના ચેરમેન  સુધીર માંકડ, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી ભરત લાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.