દવાના પેકિંગ પર જેનરિક નામ મોટા ફોન્ટમાં છપાશે

અમદાવાદ– કેન્દ્ર સરકારે Drugs & Cosmetics Rules-1945માં સંશોધન કરી મહત્વનો સુધારો કર્યો હોવાનું કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝરપ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું છે. આ સુધારા મુજબ હવે દવાનાં પેકીંગમાં દવાનું ટ્રેડ નેમ કે ‘બ્રાંડ નેમની સાથે તેનું જે ‘સોલ્ટ નેમ (જેનરિક નેમ) છાપવામાં આવે છે, તે ‘સોલ્ટનેમ (બે) સાઈઝ મોટા ફોન્ટમાં છાપવાનું રહેશે, આમ ‘બ્રાંડ નેમ કે ‘ટ્રેડ નેમ કરતાં તેનું ‘જેનેરીક નેમ (બે) સાઈઝ મોટા ફોન્ટ(અક્ષરે)થી છપાશે. આ સુધારો તા.13-09-2018થી અમલમાં આવશે.મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું છે કે જેનેરીક નેમ મોટા અક્ષરે છપાતાં દર્દીઓમાં જેનેરીક નામની ઓળખ મજબૂત બનશે, અને તેઓને સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ ખરીદવા જાણકારી તથા પ્રોત્સાહન મળશે.

આ અગાઉ ‘મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’  પણ તા.21-04-2017નાં રોજ એક એડવાયઝરી ઈશ્યૂ કરી ડોક્ટર્સને તેના પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક નેમ કેપિટલ અક્ષરમાં લખવા સલાહ આપેલ છે.

સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ સહેલાઈથી મળી રહે તે માટે દેશભરમાં ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના અંતર્ગત 3280 જેટલા જન ઔષધી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, જ્યાં દર્દીઓને 50%થી 90% જેટલા સસ્તા દરે જેનરિક દવા મળી રહે છે. દરરોજ નવા જન ઔષધી કેન્દ્ર ખુલી રહ્યા છે અને અમારું લક્ષ્યાંક છે કે દેશનાં બ્લોક(તાલુકા) સ્તર સુધી ઓછામાં ઓછો એક આવો મેડિકલ સ્ટોર ખુલે, જ્યાં લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મળી રહે.