ગુજરાતમાં લસણ પકવતા ખેડૂતોની હાલત કફોડી, આ કારણો છે જવાબદાર

અમદાવાદ- રાજ્યમાં ચાલુ વર્ષે લસણ અને ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધી રહ્યાં છે, તો બીજી તરફ લસણના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં એકાએક લસણના ભાવ તળિયે જવા પાછળ ઘણા કારણો જવાબદાર છે.ચાલુ વર્ષે વરસાદની અછત રહી. ત્યારે ખેડૂતોએ બિયારણ માટે સંગ્રહ કરાયેલુ લસણ વેચવા માટે કાઢ્યુ હતું. બીજી તરફ દેશભરમાં લસણની નિકાસનો બજારમાં અભાવ છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લસણનું મબલક ઉત્પાદન થયું છે. જોકે મધ્ય પ્રદેશ સરકારે 640 રૂપિયા મણના ભાવે ભાવાંતર યોજના હેઠળ લસણની ખરીદી કરી ખેડૂતોને રાહત આપી છે. પણ ગુજરાત સરકારે આ અંગે હજુ સુધી કોઈ વિચારણા કરી નથી.

વિશ્વભરમાં ચીનના લસણની બોલબાલા છે. જે ભારત કરતા સસ્તુ પણ છે અને ડિમાન્ડ છે. મધ્યપ્રદેશમાં પણ મબલક લસણ ઉત્પાદનથી ત્યાંનુ લસણ ચાર રૂપિયે કિલો ગુજરાતમાં ઠલવાય છે. અને હજુ ગુજરાતમાં ખેડૂતો પાસે લસણનો સ્ટોક છે. તેથી ભાવ ગગડી રહ્યાં છે.

સમગ્ર દેશમાં લસણનું 17 લાખ ટન ઉત્પાદન થયું છે. ખેડૂતોએ વાવેતર માટે સંગ્રહ કરેલા લસણનું પણ પાણીના અભાવે વેચાણ શરુ થઈ ગયું છે. લસણની મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક લાખ ગુણીની આવક થઈ છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 25-30 લાખ ગૂણીનો સ્ટોક હજુ પડ્યો હોવાનો અંદાજ છે. એક મણ લસણની પડતર ખેડૂતને મણ દિઠ રૂા. 400-450 આસપાસ થતી હોય છે. તેનાથી નીચા ભાવે વેચાણ થાય તો ખેડૂત ખોટ જ કરતો હોય છે.

લસણની એપ્રિલ અને મે મહિનામાં પીક-સિઝન જોવા મળે છે. બજારમાં સરેરાશે 600થી 700 રૂપિયાનો લસણનો ભાવ રહે છે. શિયાળુ સિઝનમાં 10 હજાર હેકટરમાં વાવેતર થતું હોય છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણ પાકે છે. ગત વર્ષે રવિ સિઝનમાં 19,400 હેકટરમાં લસણનું વાવેતર થયું હતું. 20થી 25 ટકા સ્ટોક ખેડૂતો પાસે પેન્ડિંગ રહ્યો હતો. આ વર્ષે ખેડૂતોએ નવા બિયારણ માટે લસણ વેચાણમાં કાઢતા ભાવ ગગડ્યા છે.