ભગવાન મહાવીર સ્વામીના ભાલ પર થયું ‘સૂર્યતીલક’

ગાંધીનગરઃ આજે 22 મેને મંગળવારે ગાંધીનગરના કોબા ખાતે આવેલા મહાવીર પ્રભુના મંદિરમાં વર્ષે માત્ર એકવાર જોવા મળતાં દર્શન જોવા મળ્યાં હતાં. ભવ્યાતિભવ્ય તેજથી ભરાયેલી ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ પર આજે સૂર્ય તીલક થયું હતું. દર વર્ષે જ્યેષ્ઠ સુદ આઠમના દિવસે અને વર્ષમાં માત્ર એક જ વાર આ પ્રકારનું સૂર્યતીલક ભગવાન મહાવીર સ્વામીના ભાલ પર થાય છે.

શિલ્પ ગણિત અને જ્યોતિષ શાસ્ત્રના નિયમ અનુસાર બનાવવામાં આવેલા આ જિનાલયમાં એવો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો કે જ્યારે ગુરુદેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના જે દિવસે અને જે સમયે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં તે સમય એટલે કે બપોરના 2 વાગ્યે અને 7 મિનિટ પર આ સૂર્યતીલક થાય છે. આ પ્રકારની સંયોગ જ્યારથી જિનાલય બનાવવામાં આવ્યું ત્યારથી રચાય છે. મોટી સંખ્યામાં આજે ભાવિક ભક્તો આ દિવ્ય દ્રશ્યને જોવા માટે કોબા તીર્થ પધાર્યા હતા.