ગાંધીજીની પ્રતિમાને ઇન્કમટેક્સ સર્કલથી ખસેડી અહીં લઇ જવા તૈયારીઓ શરુ

અમદાવાદ– શહેરના આશ્રમ રોડ પર ઇન્કમટેક્સ સર્કલ પરની ગાંધીજીની જૂનીને જાણીતી પ્રતિમા નિહાળવી હોય તો હજુ સમય છે, કારણ કે આ સ્થળેથી ગાંધીજીની પ્રતિમાને અન્ય સ્થળે ખસેડવાના ચક્રો ગતિમાન થઇ ગયાં છે.

અહીં બની રહેલો ઓવરબ્રિજ આ પ્રતિમાને ઢાંકીને તેની આગવી શાનને કવર કરી લેશે તેને ધ્યાનમાં લઇ કેટલાક નાગરિકો અને ગાંધીજીના અનુયાયીઓએ આ પ્રતિમા અન્યત્ર સ્થાપિત કરવાની તૈયારીઓ કરી છે. ગાંધીવાદી સંસ્થાઓ દ્વારા અમદાવાદ કોર્પોરેશનને લેખિતમાં અરજી કરવામાં આવનાર છે કે ઇન્કમટેક્સ સર્કલ પરની ગાંધીપ્રતિમાને દાંડી ચોક ખાતે સ્થાપિત કરવામાં આવે.

દાંડી ચોક ખસેડવાની માગણી એટલે કરવામાં આવી છે કે 1930માં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી અહીંથી પસાર થયાં હતાં. તે ઉપરાંત  ખાદી કમિશન દ્વારા દાનમાં અપાયેલો સ્ટીલનો ચરખો પણ દાંડી ચોકમાં મૂકવાની વાત છે. ગાંધી અનુયાયી ઇલા ભટ્ટ અને કાર્તિકેય સારાભાઇએ આ સંદર્ભે ચારેય ગાંધીસંસ્થાઓને અનુરોધ કર્યો છે કે ગાંધીજીની પ્રતિમા ખસેડવાનો પ્રસ્તાવ સાથે મળીને કોર્પોરેશનને આપવામાં આવે.

ગુજરાત હરિજન સેવક સંઘ, સફાઇ વિદ્યાલય, આશ્રમ ગૌશાળા અને ગ્રામોદ્યોગ બોર્ડ એમ ચારે ગાંધીસંસ્થાઓને ગાંધીઆશ્રમ તરફથી લેટર મોકલવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે ઓવરબ્રિજનું પ્લાનિંગ કરવા સમયે પ્રતિષ્ઠિત અને શહેરીજનોના વિરોધ કાર્યક્રમો આપવા માટેના ઉચિત સ્થળ તરીકે ગાંધીપ્રતિમાનો ખ્યાલ કરવામાં આવ્યો નથી એ દુઃખની વાત છે. ત્યારે પ્રતિમાને દાંડી ચોકમાં સ્થાપિત કરવા હસ્તક્ષેપ કરવાનું જણાવાયું છે.

તો, અમદાવાદ કમિશનર મુકેશ કુમાર દ્વારા પણ જણાવાયું હતું કે આશ્રમના અધિકારીઓ સાથે ટૂંકસમયમાં બેઠક કરી આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.