પૂર્વ સીજેઆઈ દીપક મિશ્રાઃ લોકોના અભિપ્રાયોના અવાજમાં તમારા અંદરના અવાજને ડૂબવા દેશો નહીં

અમદાવાદઃ તમે જેટલું વધુ વાંચો, જેટલું વધુ જાણો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે કેટલું ઓછુ જાણો છો. જ્ઞાનની આ  વિશેષતા છે.” આ શીખ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ દીપક મિશ્રાએ આપી હતી. તેઓ નિરમા યુનિવર્સિટીના 27માં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.આ સમારંભમાં 29 વિદ્યાર્થીઓને પીએચ.ડી., 246 વિદ્યાર્થીઓને એમબીએ (ફૂલ ટાઈમ), 55 વિદ્યાર્થીઓને એમબીએ (ફેમિલી બિઝનેસ અને આંત્રપ્રિનિયોર્શીપ), 33 વિદ્યાર્થીઓને બીબીએ-એમબીએ (5 વર્ષનો સુસંકલિત પ્રોગ્રામ), 14 વિદ્યાર્થીઓને બીબીએ, 176 વિદ્યાર્થીઓને યુજી-આઈએલ, 5 વિદ્યાર્થીઓને એમ.ટેક., 2 વિદ્યાર્થીઓને એમસીએ, 5 વિદ્યાર્થીઓને બી.ટેક અને 2 વિદ્યાર્થીઓને એમએસસીની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.શનિવારે યોજાયેલાં નિરમા યુનિવર્સિટીના 27માં પદવીદાન સમારંભમાં ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ અને ઇન્સ્ટીટયુટ ઓફ લૉના 567 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. સમારંભના મુખ્ય મહેમાન ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ દીપક મિશ્રા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયક પ્રવચનમાં સાર્વત્રિક બુદ્ધિવાદ, સ્પર્ધાત્મક આશાવાદ અને શુદ્ધ લાગણીઓની કલાનુ જ્ઞાન મેળવવા જણાવ્યું હતું.પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જ્સ્ટીસ મિશ્રાએ જણાવ્યું હતું કે તમારા સખત પરિશ્રમને કારણે તમે આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીનુ સન્માન હાંસલ કરી શક્યા છો. વ્યકતિ ગ્રેજ્યુએટ થાય કે પીએચ.ડી. હાંસલ કરે એટલે શિક્ષણ અટકી જતુ નથી. વ્યક્તિએ પોતાની જાતને ચર્ચા તથા શિખવાની બહૂવિધ પ્રવૃત્તિઓમાં જોડાએલી રાખવી જોઈએ. આવી પ્રવૃત્તિઓ વ્યક્તિને આત્મસંતોષથી દૂર રાખે છે. તમે જેટલું વધુ વાંચો, જેટલું વધુ જાણો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે કેટલું ઓછું જાણો છો. જ્ઞાનની આ  વિશેષતા છે”.જસ્ટીસ મિશ્રાએ વધુમાં જણાવ્યું કે “અન્ય વ્યક્તિઓના પરિણામોને આધારે કોઈ અંધવિશ્વાસમાં અટવાશો નહી. અન્ય લોકોના અભિપ્રાયોના અવાજમાં તમારા અંદરના અવાજને ડૂબવા દેશો નહી.ં તમારું હૃદય અને અંતરદ્રષ્ટિને અનુસરો. હું તમને અનુરોધ કરૂ છું કે તમને જે વિશ્વ હાંસલ થયું છે તેનાથી બહેતર વિશ્વ માટે સપનુ કેળવો અને તે સાકાર કરવા માટે સખત પરિશ્રમ કરો. નિષ્ફળતાઓને કારણે હતાશ થશો નહી. તમે તમારા મગજમાં જે માહિતી નાખો છો તેને આધારે શિક્ષણનુ માપ નીકળતુ નથી, તે તમારા માનસમાં હલચલ મચાવે છે અને સમગ્ર જીવનકાળ દરમ્યાન તે અસંયોજિત રહે છે. શિક્ષણનો ઉદ્દેશ જીવન નિર્માણ અને ચરિત્ર નિર્માણ તથા વિચારોના સમન્વયનો હોવો જોઈએ.”આપણી ભાવિ પેઢીના દિમાગમાં ચમકારો લાવવામાં શિક્ષણ સંસ્થાઓ જે મહત્વની ભૂમિકા ભજવીને તેમનો વિકાસ સાધે છે અને તેમને જાહેર સામેલગીરીમાં સક્રિય ભાગ ભજવે છે તેની પણ તેમણે વાત કરી હતી.પદવીદાન સમારંભ દરમ્યાન તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના સખત પરિશ્રમ અને ધ્યેય સિધ્ધિ બદલ કેટલાક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 20 વિદ્યાર્થીઓને તેમના રેન્ક મુજબ અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને તૃતિય તથા સ્પેશ્યાલાઈઝેશન મુજબ પ્રથમ રેન્ક અને પ્રોગ્રામવાઈસ બેસ્ટ સ્ટુડન્ટસને 22 મેડલ મુખ્ય મહેમાનના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.