આંખ ઉઘાડતો કિસ્સો, સોશિઅલ મીડિયાની વિદેશી ફ્રેન્ડે લાખોનો ચૂનો ચોપડ્યો

અમદાવાદ- જેમ જેમ સોશિયલ મીડિયાનો વપરાશ વધતો જાય છે તેમ તેમ તેના થકી છેતરપીંડિના કિસ્સાઓ પણ વધતા જાય છે. આવી જ એક છેતરપીંડિ સૂરતના યુવક સાથે થઈ છે. મહિલા ફેસબુક ફ્રેન્ડે વરાછાના યુવકને મોંઘીદાટ ગિફ્ટો આપવાની લાલચ આપીને રૂ.2.81 લાખનો ચૂનો ચોપડયો છે.

મળતી માહિતી પ્રમાણે સૂરતના વરાછામાં કિરણપાર્ક સોસાયટીમાં રહેતા 23 વર્ષીય ગોપાલ વાલજીભાઇ ગાંગાણી મેડિકલ સ્ટોરમાં જોબ કરે છે. તેમના ભાઇ દિલીપના ફેસબુક ઉપર એક વિદેશી યુવતી સાથે ફ્રેન્ડશિપ થઇ હતી. તે યુવતી અંગ્રેજીમાં ચેટિંગ કરતી હોય દિલીપને વાચતીમાં ફાવટ નહીં આવતા ગોપાલ તે ફેસબુક ફ્રેન્ડ સાથે ચેટિંગ કરો હતો. આ રીતે ફ્રેન્ડશિપ કરી વાતોમાં ભોળવી તે યુવતીએ ગોપાલને પોતાના વોટ્સએપ નંબર આપ્યો હતો. વોટ્સએપ ઉપર ચેટિંગ સાથે ફોટાની પણ આપ-લે થઇ હતી.

દરમિયાન આ યુવતીએ વિશ્વાસ કેળવી સરપ્રાઇઝ ગિફ્ટ આપવાની ગોપાલને સ્કીમ આપી હતી. કંપનીની એનિવર્સરી હોય આઇફોન, આઇપેડ, ગોલ્ડ ચેઇન, ઘડિયાળ, પરફ્યુમ, પાઉન્ડ વગેરે આપવાની વાત કરવા સાથે આ મોંઘીદાટ ગિફ્ટના ફોટા પણ વોટ્સએપ ઉપર મોકલી આપ્યાં હતાં. ઉપરાંત ગોપાલ પાસે એડ્રેસ પણ મેળવી લીધું હતું.

ત્યારબાદ ગત 23મીએ અજાણ્યા નંબર ઉપરથી ગોપાલ ઉપર કોલ આવ્યો હતો. હું દિલ્હી સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમ વિભાગમાંથી વાત કરું છું તમારું યુકેથી પાર્સલ આવ્યું છે. એમ કહી ચાર્જના નામે નાણાં બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યાં હતાં. ત્યારબાદ પાર્સલમાં પાઉન્ડ હોવાની વાત કરીને પણ ચાર્જના નામે નાણાં પડાવી લીધા હતાં.

ઇન્ટરનેશનલ ટ્રાન્સફર કોડ જનરેટ કરવાના નામે પણ નાણાં પડાવી લીધા હતાં. કુલ રૂપિયા 2.81 લાખ પડાવી લીધા બાદ ભેજાબાજોએ ગોપાલભાઇને રિઝર્વ બેન્ક લેટર ઓફ ગેરન્ટીનું પ્રમાણપત્ર સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમનું પૂજા શર્માના નામનું આઇડી કાર્ડ સહિતના બનાવટી ડોક્યુમેન્ટ મોકલ્યા હતાં. આ રીતે ગિફ્ટના નામે જાળમાં ફસાવી ગોપાલભાઇ પાસેથી રૂ.2.81 લાખ પડાવી લીધા હતા. ફરિયાદના આધારે પોલીસ વધુ તપાસ હાથધરી છે.