ભેંસાણમાં લૌકિકક્રિયાખર્ચનું તળાવો ઊંડા કરવામાં દાન આપી દાખલો બેસાડાયો

જૂનાગઢ- સરકાર જળસંગ્રહ અભિયાન શરુ કરી રહી છે ત્યારે જૂનાગઢના ભેંસાણથી સારા સમાચાર મળી રહ્યાં છે. ત્રણ પરીવારજનોએ તેમના વૃદ્ધ માતાનું અવસાન થતા દિવંગતના કાયમી સંભારણારુપે લૌકિક ક્રિયાઓ પાછળના ખર્ચ ટૂંકાવી ગામના તળાવોને ઉંડા ઉતારવાના કાર્યમાં આર્થિક સહયોગ આપવાનો સંકલ્પ કર્યો છે.

ભેંસાણ તેની ભૌગોલિકસ્થિતિના કારણે પાણીની તંગીમાં રહે છે. જે ઊનાળામાં ખૂબ વકરે છે. આ સમસ્યાના કાયમી નિરાકરણમાં વરસાદીપાણીના સંગ્રહ કરવાનું નક્કી કરી જળઅભિયાનમાં સાથ આપવાનું ભેંસાણવાસીઓએ નક્કી કર્યું હતું. તેમાં સોનામાં સુગંધ ભળે તેમ પાંચ પરિવારોએ સ્વયંભૂ આગળ આવી દાનની જાહેરાત કરી હતી.

ગઇકાલે અને આજે ગામમાં  વયોવૃદ્ધ વડીલના નિધન પાછળ થતાં ઉત્તરક્રિયાના લૌકિકનો પરિવારજનો જળમાં પ્રભુનો વાસ એવી શ્રદ્ધાથી તળાવો ઉંડા ઉતારવાના સદકાર્યમાં આર્થિક સહયોગ આપી રહ્યાં છે. ભેંસાણમાં ૮૭ વર્ષના તોરીબેન કાળાભાઇ છેલડીયાનું નિધન થતાં તેમના પુત્ર ધીરૂભાઇ છેલડીયાએ કહ્યું કે ગામમાં નારાયણ ઘાટ બનાવી પાણી સંગ્રહ માટેનું લોક કાર્ય થઇ રહયું છે એટલે મારા માતાની કાયમી સમૃતિ જળવાય રહે તે માટે હું આર્થિક યોગદાન આપીશ. કિશોરભાઇ લીલાધરભાઇ સાવલીયાના ૧૦૪ વર્ષના દાદીમાં ઉજીબેન રણછોડભાઇનું નિધન થતા જળમંદિરના નવસાધ્ય કાર્યમાં સહયોગ પરિવારજનો આપશે. દીપકભાઇ સાવલીયાએ પણ તેમના દાદીમાના અવસાન પાછળ ઉતરક્રિયા અને પાણીઢોળનો ખર્ચ ટૂંકાવી તળાવના કાર્યમાં સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજ ભેંસાણ અને સૂરતના ઉદ્યોગપતિઓ પાસેથી ફાળો લઇને જળ અભિયાનને સફળ બનાવવામાં આવશે.

ભેંસાણના નારાયણ સરોવર, ભૂતનાથ મહાદેવ મંદિર નજીકનું તળાવ, શ્રી ગંગેશ્વર મહાદેવ તળાવ, કબીર આશ્રમ તળાવ અને લીંબડી ઘાટના તળાવોને ઉંડા ઉતારવામાં આવશે.