મોરબીમાં જૂની અદાવતને પગલે ગોળીબાર; 13 વર્ષના નિર્દોષ બાળકનું મોત

મોરબી – આ શહેરના કાલિકા પ્લોટમાં શનિવારે રાતે થયેલી એક જૂથ અથડામણમાં અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કરતાં 13 વર્ષના એક નિર્દોષ બાળનું મરણ નિપજ્યું છે અને બીજાં ચાર જણ ઘાયલ થયા છે.

ઘટના બની હતી ત્યારે વિશાલ લખમણભાઈ બાંભાણીયા નામનો બાળક રમતો હતો અને એને ગોળી વાગી હતી. એને ગંભીર ઈજા થઈ હતી અને એને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં એણે અંતિમ શ્વાસ લીધો હતો.

બાદમાં, ગોળીબાર અંગે પોલીસમાં રજૂઆત કરવા ગયેલા લોકોનું ટોળું બેકાબુ બન્યું હતું અને રોષે ભરાયેલા લોકોએ રસ્તાઓ પર અનેક વાહનો પછાડી નુકસાન કર્યું હતું.

બનાવની વિગત અનુસાર, જૂની અદાવતમાં બે ભાડૂતી મારાઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એમાં ઘાયલ થયેલ નિર્દોષ બાળકનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ભાડૂતી મારાઓએ ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ કર્યું હતું. બે મારાઓ પૈકી એક ભાડૂતી મારો સ્થાનિક લોકોની ઝપટે ચડી જતાં તેને પણ ગંભીર ઈજાઓ સાથે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બંને ભાડૂતી મારા હિન્દીભાષી હોવાનું મનાય છે.