નાણાંપ્રધાન નિતીન પટેલ વચગાળાનું બજેટ રજૂ કરશે, 12 વાગે ગૃહમાં થશે રજૂ

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાના પ દિવસીય ટૂંકા સત્રનો પ્રારંભ થયો છે. નાણાંપ્રધાન નિતીન પટેલ વચગાળાનું બજેટ 2019(વોટ ઑન એકાઉન્ટ) આજે બપોરે 12 કલાકે રજૂ કરશે. આ વખતે લોકસભાની એપ્રિલમાં ચૂંટણી યોજાવાની શકયતાઓ છે. જેને પગલે સંપૂર્ણ બજેટને બદલે વચગાળાનું બજેટ રજૂ થશે.

કેન્દ્ર સરકારે પણ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, પરિણામે ગુજરાત સરકારે પણ ચાર મહિનાનું લેખાનુદાન મેળવવા માટે વચગાળાનું બજેટ કાલે રજૂ કરશે. સામાન્ય રીતે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં વિધાનસભાનું બજેટ સત્ર મળે છે. પણ આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. અને આચારસંહિતા લાગુ પડી જાય તે પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરાશે.  આગામી ચાર મહિના માટેના રાજ્ય સરકારના વહીવટી ખર્ચ અને યોજનાકીય ખર્ચને પહોંચી વળવા માટે જરૂરી હોય તેટલી રકમનું લેખાનુદાન રજૂ કરાતું હોય છે. તે મુજબ આ વખતે એપ્રિલથી જુલાઈ સુધીના ખર્ચ પેટે આશરે રૂપિયા 61,000 કરોડથી વધુ રકમની જોગવાઈ કરતું વોટ ઑન એકાઉન્ટ મેળવાય તેવી શકયતા છે.વોટ ઑન એકાઉન્ટની સાથે રાજ્ય સરકાર પ્રજાકીય ચૂંટણીલક્ષી રાહતોની જાહેરાત કરે તેવી શકયતા વધુ છે. કારણ કે લોકસભાની ચૂંટણી માથે છે, જેથી ખેડૂતો અને શ્રમિકો માટે તેમજ મધ્યમવર્ગ માટે રાહતોની જાહેરાત કરાય તેવી શકયતાને નકારી ન શકાય.

કેન્દ્રની મોદી સરકારે વચગાળાના બજેટમાં અનેક લોકપ્રિય જાહેરાતો કરીને મધ્યમવર્ગને ટેક્સમાં ખૂબ મોટી છૂટ આપી છે, તે જ રીતે રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે ટેકાના ભાવ ઊંચા લઈ જવાથી માંડીને વિશેષ રાહત આપે તો નવાઈ નહી.