નાણાં પંચ રવિવારથી ગુજરાતનો પ્રવાસ કરશે

ગાંધીનગરઃ ભારત સરકારનું 15મું નાણાં પંચ 22થી 25 જુલાઈ, 2018 સુધી ગુજરાત રાજ્યનો પ્રવાસ કરશે. નાણાં પંચનાં અધ્યક્ષ એન.કે. સિંહના નેતૃત્વમાં આ પંચ ગુજરાતના મુખ્યપ્રધાન રુપાણી સહિત પ્રધાનો અને અન્ય પદાધિકારીઓ સાથે બેઠક કરશે. નાણાં પંચના સભ્યો શક્તિકાંત દાસ, ડૉ. અનૂપ સિંહ, ડૉ. અશોક લાહિરી, ડૉ. રમેશચંદ્ર અને સચીવ અરવિંદ મહેતાની સાથે અન્ય પદાધિકારીઓ પણ આ બેઠકોમાં સામેલ થશે.

આ દરમિયાન રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિ પર વિસ્તૃત રજૂઆતો થશે. આ પ્રવાસ અગાઉ પંચનાં સભ્યો નવી દિલ્હીમાં ગુજરાતનાં એકાઉન્ટન્ટ જનરલને મળ્યાં હતાં તથા રાજ્યની નાણાકીય સ્થિતિનાં વિવિધ પાસાંઓ અને સામાજિક-આર્થિક સ્થિતિ સાથે સંબંધિત બાબતોને ઊંડાણપૂર્વક સમજ્યાં હતાં.

રાજ્ય સરકાર બેઠકો અને રજૂઆતો કરવા ઉપરાંત પંચને પોતાનાં મુખ્ય કાર્યક્રમોથી વાકેફ પણ કરશે. નાણાં પંચ 24 જુલાઈનાં રોજ ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. આ જ દિવસે પંચ સરદાર સરોવર બંધ, સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે.નાણાં પંચ વિવિધ રાજકીય પક્ષનાં નેતાઓ તથા વેપાર અને ઉદ્યોગજગતનાં પ્રતિનિધિઓ સાથે બેઠકો પણ કરશે.