ગુજરાત-મહારાષ્ટ્રના માછીમારો વચ્ચે મધદરિયે ધીંગાણું, 9 ખલાસીઓને ઇજા

ગીર સોમનાથઃ માછીમાર બોટને પરદેશી જ નહીં, દેશની બોટો દ્વારા પણ હુમલાનો ભોગ બનાવનો બનાવ સામે આવયો છે. જેમા ઊનાથી 35 નોટિકલ માઈલ દૂર મધદરિયો  માછીમારોનું ધીંગાણું સર્જાઇ ગયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર પહેલીવાર આ પ્રકારે બે ગેંગ વચ્ચે અથડામણ સર્જાયાની ઘટના બની છે. ગીર સોમનાથના દરિયામાં મહારાષ્ટ્ર અને ઉનાની બોટના માછીમારો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. આ મામલે નવાબંદર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઊનાના નવાબંદરની બોટના ટંડેલ અને ખલાસી પર પથ્થરમારો અને પાઇપ-ધોકાથી હુમલો કરી માર મારી બોટ અને જાળને નુકસાન કરી બોટને ડૂબાડી દેવાનો પ્રયાસ કરાયાની ઘટના બનતાં માછીમાર પરિવારોમાં ભારે રોષ છવાયો છે.

મામલો 23 માર્ચનો છે. ઊનાના નવાબંદરથી માંડણભાઇ પાંચાભાઇ મજેઠીયાની મેઘદૂત પ્રસાદ નામની બોટ લઇ ટંડેલ રવિન્દ્ર ભીમજી સોલંકી અને તેના ખલાસીઓ 35 નોટીકલ માઇલ અરબી સમુદ્રમાં જાળ બાંધી માછીમારી કરી રહ્યા હતા. ત્યારે મહારાષ્ટ્રની 2 બોટ આવી પહોંચી હતી. અને તેની જાળ તોડી નાંખી ફિશીંગ કરતા ખલાસીઓ પર પથ્થરમારો કરી પાઇપધોકા સાથે માર મારવા લાગ્યા હતા. જેમાં ટંડેલ સહિત 9 ખલાસીઓને નાની મોટી ઇજા થઇ હતી.

હુમલાખોરોએ બોટમાં તોડફોડ કરી બોટ સાથે ખલાસીઓને દરીયાઇ સીમામાં ડૂબાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. આથી આ ખલાસીઓ પોતાની બોટ લઇ જીવ બચાવવા ભાગી નીકળ્યા હતાં. આ બનાવમાં બોટ, જાળ, માછીમારીના સાધનો સહિત રુપિયા 2 લાખનું નુકસાન થયું હતું. આ ઘટના અંગે બોટમાલિક અને નવાબંદરના સરપંચ સોમવારભાઇ માંડણભાઇએ જાણકારી આપી હતી.

પોલિસે પ્રાથમિક વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.