ફી નિર્ધારણ કમિટીઃ આખરી ફી મામલે આસમાન સે ટપકે, ખજૂર પે લટકે

અમદાવાદ– બજેટની બઘડાટી વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુજરાત ફી નિયમન કાનૂન સંદર્ભે આપેલા ચૂકાદાના કારણે ગુજરાતનું શિક્ષણતંત્ર ખળભળી રહ્યું છે. રાજ્ય સરકારે રચેલી ફી નિર્ધારણ કમિટીમાં હાઇકોર્ટના બે જજની નિમણૂકનો આદેશ, નવી કમિટીની રચના અને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીમાં ચાલુ શૈક્ષણિક વર્ષ પૂરું થઇ જશે તે નક્કી છે. ત્યારે વાલીઓને ફી ભરવા અંગે ભારે મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરની 600 જેટલી શાળાઓ કોર્ટમાં ગઇ છે અને તેમની ફી નક્કી કરવાનું બાકી છે. જે શાળાઓએ વધુ ફી ઉઘરાવી લીધી છે તે વધારાની ફી પરત કરવી જ પડશે એમ સ્પષ્ટ થઇ રહ્યું છે તેવામાં ફી પરત મેળવવા કેટલી રાહ જોવી પડશે તે પણ નક્કી નથી.

શિક્ષણવિભાગ આ મુદ્દે કશું સત્તાવાર બોલવા તૈયાર નથી. સુપ્રીમે જણાવ્યું તેમ ચાર સબઝોનલ કમિટીમાં નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશની જગ્યાએ નિવૃત્ત હાઇકોર્ટ જજની નિમણૂક કરવાની રહેશે. ફી જાહેર થવામાં 11 અઠવાડિયાં જેટલો સમય લાગી શકે તેમ છે. રાજ્ય સરકારે નક્કી કરી ફીમાં સુધારાવધારા અને વાલીઓ-સંચાલકોની રજૂઆતનો તબક્કો પણ બાકી રહેશે તે પછીના બે સપ્તાહ પછી સરકાર નવી ફી જાહેર કરશે અને પછી ઝોનલ કમિટી પ્રવોઝનલ ફી જાહેર કરી શકશે.

મામલો હજુ કોર્ટમાં હોવાથી ફી બાબતે સુપ્રીમ કોર્ટમાં ગયેલી શાળાઓની ફી અંગે ફી નિયમન કમિટી કશું નક્કી કરી શકશે નહીં.અન્ય શાળાઓની ફી અંગે રાજ્ય સરકારના નિર્દેશોની રાહ જોવાઇ રહી છે. ત્યારે આ તમામ પરિસ્થિતિને જોતાં માર્ચના અંત સુધીમાં કમિટી વેબસાઇટ પર વસૂલાતી ફી મૂકશે અને મે માસના પહેલાં સપ્તાહમાં આખરી ફી નક્કી થઇ શકે તેમ છે.