કમરતોડ પ્રોવિઝનલ ફી જાહેર કરી, હવે કહે છે વાલીઓ વિશ્વાસ રાખે…

ગાંધીનગર– ગુજરાતમાં ફી નિર્ધારણ સમિતીએ, જે શાળાઓએ માંગી તેટલી પ્રોવિઝનલ ફી નક્કી કરી આપી છે. વાલીઓને સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હવે સુપ્રીમ કોર્ટ શુ નિર્ણય કરે છે, તેના પર મીટ મંડાઈ છે, ત્યારે ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાલીઓ અને વિદ્યાર્થીઓના જ હિતની ચિંતા કરે છે અને ખાનગી શાળા સંચાલકોના અનેક વિરોધ અને પ્રતિકાર છતાં પણ રાજ્ય સરકાર છેક સર્વોચ્ચ અદાલત સુધી પ્રભાવક લડત આપી રહી છે. આ મામલે વાલીઓએ સ્હેજ પણ શંકા સેવવાની આવશ્યક્તા નથી.ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ફી નિયમન મુદ્દે પ્રભાવક અને કાનૂની લડતના પરિણામો પણ મળતા થયા છે. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાજ્યના જે તે ઝોનની ફી નિયમન કમિટી દ્વારા જે તે શાળાની નક્કી કરવાની થતી કામચલાઉ એટલે કે પ્રોવીઝનલ ફીની જોગવાઇ અંતર્ગત અમદાવાદ ઝોનની ફી નિયમન સમિતિએ આ ઝોનમાં આવતી ૨૩૮ શાળાઓની કામ ચલાઉ ફી એટલે કે પ્રોવીઝનલ ફી નિયત કરાઇ છે. જે પૈકી ૧૧૬ શાળાની કામ ચલાઉ ફીમાં ઘટાડો કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે શાળાઓએ સંમતિથી ફી ઘટાડેલ છે, તેવી ૫૭ શાળાઓએ અંદાજે રૂ.૪૦,૦૦૦ સુધીનો ઘટાડો કર્યો છે.

આ માત્ર કામ ચલાઉ ફી છે અને આની સામે જે શાળાને વાંધો હશે તે શાળા દિન-૭માં તે સમિતીને વાંધો રજૂ કરી શકશે. આવા વાંધા રજૂ થયેથી ૪ અઠવાડિયામાં ફી નિયમન સમિતી આખરી ફી નક્કી કરશે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા સુપ્રિમ કોર્ટના ધ્યાને મૂકવામાં આવશે અને તે સુપ્રિમ કોર્ટના આદેશને આધિન રહેશે. રાજ્ય સરકાર ફી નિયમન મુદ્દે વાલીઓ વતી અને રાજ્યના વિદ્યાર્થીઓના જાહેર હિતમાં કાનૂની લડત લડી રહી છે.

અમદાવાદ ઝોન ફી નિયમન સમિતી દ્વારા જે ૧૧૬ શાળાઓની કામચલાઉ ફી ઘટાડાઇ છે તેની વિગતો આપતાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની ૧૪ શાળાઓ (૫૦૫૯ વિદ્યાર્થીઓ), અમદાવાદ(ગ્રામ્ય)ની ૨૮ (૧૨૫૪૨ વિદ્યાર્થીઓ), ગાંધીનગરની ૨૮ શાળાઓ (૧૨૩૮૯ વિદ્યાર્થીઓ), સાબરકાંઠાની ૫ શાળાઓ (૮૦૯ વિદ્યાર્થીઓ), બનાસકાંઠાની ૯ શાળાઓ(૨૪૨૧ વિદ્યાર્થીઓ), પાટણની ૪ શાળાઓ (૨૩૧૭ વિદ્યાર્થીઓ), મહેસાણાની ૬ શાળાઓ (૫૫૮ વિદ્યાર્થીઓ, કચ્છની ૨૧ શાળાઓ (૮૩૨૮ વિદ્યાર્થીઓ) અને બોટાદની ૧ શાળા (૯૦ વિદ્યાર્થીઓ)ની કામ ચલાઉ (પ્રોવીઝનલ ફી) અમદાવાદ ઝોનની ફી નિયમન સમિતી દ્વારા ઘટાડો કરીને નિયત કરવામાં આવેલ છે.

રાજ્ય સરકાર વાલીઓ પ્રત્યે લાગણીપૂર્વક પ્રતિબદ્ધ છે. ખાનગી શાળા સંચાલકો બેફામ ફી ન લઇ શકે તે માટે અંકુશ રાખવા રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક પગલાં લઇ રહી છે, અને એ માટે નિષ્ઠાપૂર્વક પ્રતિબદ્ધ છે ત્યારે વાલીઓ રાજ્ય સરકારમાં વિશ્વાસ રાખે અને ખોટા દુષ્પ્રચારનો ભોગ ન બને એવો અનુરોધ છે. એમ કહીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વાલીઓએ રાજ્ય સરકારની ખાનગી શાળા સંચાલકો સામેની લડતને સમર્થન આપવું જોઇએ અને રાજ્ય સરકારના પગલાંને આવકારવા જોઇએ. રાજ્ય સરકાર માત્ર ને માત્ર વાલીઓ અને વિદ્યાર્થીઓનું હિત જ જુએ છે.