કનડગત સામે જ્યારે એક યુનિવર્સિટીના સત્તાધીશો આપી રહ્યાં છે ઉપવાસ કાર્યક્રમ…

ગાંધીનગર- ધરણાં અને વિરોધ કાર્યક્રમ સત્તાધારી વિરુદ્ધ ઘણાં જોવા મળે છે પરંતુ ગુજરાત આજે એવા વિરોધ કાર્યક્રમ સાક્ષી બની રહ્યું છે જેમાં સત્તાધારીઓ અસામાજિક તત્વો દ્વારા પોતાની કનડગત થતી હોવાની ફરિયાદ સાથે ઉપવાસ કરી રહ્યાં છે. ટીચર યુનિવર્સિટી સત્તાધારીઓ દ્વારા આજે આ મુદ્દે પ્રતીક ઉપવાસ યોજાયાં છે.

આ સંદર્ભે જણાવાયું હતું કે ગાંધીનગરમાં સેક્ટર – ૧૫માં આવેલી ટીચર યુનિવર્સિટી છેલ્લા ૭ વર્ષોથી ટીચર ટ્રેઈનિંગમાં ઘણા બધા રીફોર્મ લાવીને ટીચર ટ્રેઈનિંગના ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહી છે. ત્યારે છેલ્લા ૧ અઠવાડીયાથી કેટલાક દિશાવિહીન યુવાનોના લીધે અજંપાભરી પરીસ્થિતિ ઉભી થયેલ છે. યુનિવર્સિટીના કુલપતિ શશીરંજન યાદવે એક પ્રેસ નોટમાં જણાવ્યું છે કે NSUIના બેનર હેઠળ કેટલાક યુવાન મિત્રો છેલ્લા ૧ અઠવાડીયાથી કુલપતિ સહીત અન્ય કર્મચારીઓને ફોન કરે છે અને કર્મચારી – કર્મચારી વચ્ચે મતભેદ ઉભા કરવાના પ્રયત્નો કરે છે. માહિતી માંગવા માટે આ યુવાનોએ એક RTI કરી છે જેની માહિતી આપવાની યુનિવર્સિટીની તૈયારી છે. કોઈ પણ વિરોધ લોકશાહીમાં લોકશાહી ઢબે અને એકબીજાનું સમ્માન રાખીને થઇ શકે.

આ વિદ્યાર્થીઓના નેતાએ કુલપતિને ફોન પર ચેતવણી આપી કે આવતી કાલે ૫૦૦ વિદ્યાર્થીઓને લઇને આવીશ. સમગ્ર દિવસ અજંપાભરી પરીસ્થિતિ રહી અને યુનિવર્સિટીના કર્મચારીઓના કામકાજના કલાકો – સમયનું નુકશાન થયું. આ વિદ્યાર્થીઓના એક જૂથે યુનિવર્સિટી પર આવી ભવિષ્યના ટીચર એવા અમારા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઉભા હતા ત્યાં બહારથી આવેલા દિશાવિહીન નવયુવકોએ દીકરીઓની સામે ગાળો ભાંડી અને અપશબ્દો ઉચ્ચાર્યા. પોતાની મસ્તીમાં અનેક રીફોર્મની વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક ડર પેસી ગયો છે અને જાણે કે અમને કોઈકે બાનમાં લીધા હોય તેવો એક માહોલ ઉત્પન્ન થયો છે. કોઈ પણ પ્રશ્ન પૂછવાની છૂટ છે અને રીત છે અને એના માટે યુનિવર્સિટી તૈયાર છે.

કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, ઈશ્વર આ દિશાવિહીન નવયુવકોને સદબુદ્ધિ આપે. ટીચર યુનિવર્સિટી એવી પ્રાર્થના કરે છે અને આ નવયુવાનોને સદબુદ્ધિ મળે, ઉર્જાવાન બને અને પોતાની શક્તિ દેશના વિકાસમાં લગાવે. મા-બહેનોની ઈજ્જત કરતા શીખે, એ ઉદ્દેશ્યથી ૨૫.૦૧.૨૦૧૮ના રોજ સવારે ૦૯.૦૦ કલાક થી સાંજના ૦૬.૦૦ કલાક સુધી ટીચર યુનિવર્સિટીના કુલપતિશ્રીની આગેવાનીમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસીય ‘ગાંધી ઉપવાસ’ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે કરવામાં આવશે.