બૂલેટ ટ્રેનઃ જમીનનું વળતર નક્કી કરવાની મીટિંગમાં હોબાળો, બેઠક રદ

વડોદરા– પીએમ મોદીના સ્વપ્ન સમાન બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કપાત જતી જમીનમાં વડોદરા જિલ્લાની સારી એ જમીનનો સમાવેશ થાય છે. આ જમીનના માલિકોને કપાત જમીન માટેના વળતર નક્કી કરવાની બેઠકમાં પૂરતી સંખ્યામાં બોલાવાયાં ન હોવાનો આક્ષેપ ઉપસ્થિત રહેલાં ખેડૂતોએ એજન્સી પર મૂક્યો છે અને તે મામલે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરુ થઈ ગઇ છે જેમાં જમીન સંપાદન કરનાર એજન્સી અને જમીન માલિકો વચ્ચે ગાંધીનગર ગૃહમાં બેઠકનું આયોજન થયું હતું. જોકે અમુક જ સંખ્યામાં પહોંચી શકેલા ખેડૂતોને જોતાં ઉપસ્થિત ખેડૂતોએ ભારે હોબાળો મચાવતાં એજન્સીએ બેઠક મોકૂફ રાખી દીધી હતી.

મળતી માહિતી પ્રમાણે જમીન સંપાદનની કામગીરી કરતી એજન્સી આર્કાડિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે અમુક ગામના સંરપંચોને જ જાણ કરી હતી અને અખબારમાં બેઠક અંગે જાહેરાત આપી હતી. આવામાં મોટાભાગના ખેડૂતોને વળતર નક્કી કરતી બેઠક અંગે જાણ થઇ ન હતી, તેથી મામલો પારખીને બેઠક રદ કરી દેવામાં આવી હતી.