મૂળ ગુજરાતી એવો આખો પરિવાર પ્લેન ક્રેશમાં ભરખાયો, કદાચ ડેડબોડી નહીં મળે…

સૂરતઃ ઈથિયોપીયન એરલાઈન્સના ગઈ કાલે દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં મરનાર ભારતીયોમાં 6 ગુજરાતીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇથોપિયન એરલાઇનનું વિમાન ટેકઓફ કરતાં જ ધડાકાભેર તૂટી પડ્યું હતું, જેમાં સવાર તમામ 157 લોકોના મૃત્યુ થયાં હતાં. મરનાર વ્યક્તિઓમાં મૂળ ગુજરાતી મૂળના કેનેડાના વૈદ્ય પરિવારનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટનામાં વડોદરાના મૂળ વતની પન્નાગભાઈ વૈદ્ય, પત્ની હંસિનીબહેન, તેમની પુત્રી કોશા, જમાઈ પ્રેરિત, અને તેમની બે પુત્રીઓ આશ્કા અને અનુશ્કાના મૃત્યુ થયાં હતાં. તેઓ કેનેડાથી કેન્યા ફરવા માટે ગયાં હતાં જ્યાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમના મૃત્યુ થયાં હતાં.

મૃતક પ્રેરિત દીક્ષિતના માતાપિતાએ જણાવ્યું હતું કે કાલે બપોરે 3.30 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન નહીં થાય ત્યાં સુધી અમને જણાવાયું છે કે કોઈ પણ મુસાફરની ડેડ બોડી નહીં મળે. આ પ્લેન ક્રેશ થયું તેમાં અમારો દીકરો પ્રેરિત, પુત્રવધુ કોશા, પૌત્રીઓ આશ્કા, અને અનુશ્કાનો સમાવેશ થાય છે. તેઓ અમારા વેવાઈના સ્વજનો મોમ્બાસાથી ભારત પરત જઈ રહ્યાં હતા તેથી તેમને મળવા માટે ગયા હતાં.

પ્રેરિતના માતાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ડેડ બોડીની ઓળખ ન થાય ત્યાં સુધી ડેડ બોડી નહીં મળી શકે, અને પ્લેન ક્રેશ થયું ત્યાં કોઈને જવા દેવાના નથી. સરકારે જણાવ્યું છે કે ડેડ બોડી મળી શકે તેવી શક્યતા નથી. અમારી પાસે કેનેડાના વિઝા છે, તેથી અમે કેનેડા જઈને દીકરાના ઘરની માહિતી મેળવી હતી. અમારો મોટો દીકરો ઑસ્ટ્રેલિયા રહે છે, તે કેનેડા જવા રવાના થઈ ગયો છે, અને અમને કેનેડા જવાનું વિચારી રહ્યાં છીએ.અમે સરકારની મદદ માંગી નથી કે સરકારે અમને મદદની જાણ પણ કરી નથી. હાલમાં આફ્રિકાની સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ડેડ બોડીની ઓળખ શક્ય જ નથી એટલે અમે એ રાહ જોઈ રહ્યાં છીએ કે કેવી રીતે તેમના મૃતદેહો મેળવી શકાય જો નહીં મળે તો પછી આગળ શું કરવું વિચારીશું. પ્રેરિત છેલ્લાં 18 વર્ષથી તે ટોરેન્ટોમાં રહેતાં હતાં.