વિકાસ પાછળ આંધળી દોટ, પર્યાવરણનું નુકસાન

અમદાવાદઃ શહેરને સ્માર્ટ સિટી તરફ લઇ જવા માટે વિકાસ થયો છે અને થઇ પણ રહ્યો છે એ માટેના કામો ચાલી રહ્યાx છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં માર્ગોનું, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, વિજળીના કેબલ બદલવાનું, ગટરલાઇનની પાઇપો બદલવાનું અને સૌથી મહત્વનું મેટ્રો ટ્રેન માટેનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. આ તમામ કામમાં ગેરકાયદે બંધાયેલી ઇમારતો તોડી પડાય છે. ત્યાં સુધી બરાબર છે પરંતુ અનેક વર્ષો જૂના વૃક્ષો જમીન દોસ્ત થઇ જાય છે. કેટલીકવાર લોખંડના પતરાં, પાટિયાની આડસમાં ચાલતા મોટા કામમાં નાનામોટા વૃક્ષો કપાઇ જાય એ લોકોના ધ્યાન પર પણ આવતું નથી. બીજી તરફ એક વૃક્ષને જમીનમાંથી કાઢી બીજી જગ્યાએ લઇ જઇ રી-પ્લાન્ટ કરેલા મશીનો મોટી કીમતે ખરીદેલા હોવા છતાંય મેટ્રોના કામ ચાલતા હોય ત્યાં અને અન્ય જગ્યાએ કપાયેલા વૃક્ષો મૂળીયાં સાથે જોવા મળે છે.

વર્ષોની જહેમત બાદ ઉગેલા-ઉછેરેલા, લોકોને છાંયો આપતા વૃક્ષો ગણતરીના કલાકોમાં ધરાશાયી કરી દેવાય છે. પૂર ઝડપે વિકાસ કરતો , વિકાસ ઝંખતો માણસ ક્યારેક પર્યાવરણનો વિનાશ કરે છે. પ્રસ્તુત તસવીર સીમેન્ટ-કોંક્રિટના બુઠ્ઠા થઇ પડેલા નિર્જીવ બીમ વચ્ચે, માણસે પાડી દીધેલા વૃક્ષોની છે, જે અમદાવાદ શહેરમાં ઠેરઠેર જોવા મળે છે. શહેરમાં વૃક્ષો વાવવાની કામગીરી તો તંત્ર દ્વારા અથવા અન્ય કોઈ લોકો દ્વારા કરવામાં આવતી નથી પરંતુ જે વૃક્ષો છે તેને પણ તોડી પાડવામાં આવે છે. ત્યારે વિકાસની આંધળી દોટ પાછળ વૃક્ષોનું કાસળ કાઢી પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ