નિર્ણયઃ તમામ યુનિવર્સિટીઓ માટે પ્રવેશ, પરીક્ષા, પરિણામનું કોમન કેલેન્ડર

ગાંધીનગર- રાજ્યના શિક્ષણવિભાગની એક બેઠકમાં તમામ યુનિવર્સિટીઝને લાગુ પડતો મહત્ત્વનો આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પ્રવેશ, પરીક્ષા અને પરિણામમાં એકસૂત્રતા જળવાય અને એક સાથે આ પ્રક્રિયા થાય તે માટે કોમન કેલેન્ડર તૈયાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોમન કેલેન્ડરના કારણે જે તે વિદ્યાશાખામાં ભણતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી બદલવી, પ્રદેશ કે દેશની યુનિવર્સિટીઓમાં સમયસર પ્રવેશ મેળવવો, નોકરીની જાહેરાત સમયે તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને સમાન તક, પી.એચ.ડી.ના ટેસ્ટ / પ્રવેશનો લાભ એક સાથે મળવો, આવા અનેક ફાયદા વિદ્યાર્થીઓને થશે.

હાલમાં દરેક યુનિવર્સિટી પોતાની રીતે પ્રવેશ, પરીક્ષા અને પરિણામનો સમય અલગ-અલગ તારીખોએ જાહેર કરે છે. વિદ્યાર્થીને અલગ-અલગ સમયે જે તે યુનિવર્સિટીમાં કોર્સ પ્રમાણે ફોર્મ તથા ફી ભરવા પડે છે. એક જગ્યાએ પ્રવેશ લઇ ફી ભર્યા પછી પોતાની પસંદગીની યુનિવર્સિટીમાં પ્રવેશ મળે તો જ્યાં ફી ભરી દીધી છે તે પરત મળતી નથી. પ્રવેશ તારીખો અલગ હોવાથી ઓગષ્ટ માસ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલે છે, તેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે. પ્રવેશની તારીખો લંબાઇ જતી હોવાથી ઇનોવેશન, સ્ટાર્ટ-અપ, સ્ટુડન્ટ ટ્રેઇનિંગ પ્રોગ્રામ જેવા વિદ્યાર્થી માટેના કાર્યક્રમો સમયસર બધી યુનિવર્સિટીઓમાં યોજી શકાતા નથી તેથી વિદ્યાર્થીને તેનો સમયસર લાભ મળતો નથી.

પોસ્ટ ગ્રેજ્યુએટ, એમ.ફીલ. પી.એચ.ડી.ના ટેસ્ટ-પ્રવેશના લાભ તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને એક સાથે મળે. ઉપરાંત કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સ્કોલરશીપ જો અલગ-અલગ સમયે પરિણામ આવે તો વિદ્યાર્થીઓ કેટલીક વખત સમયમર્યાદાના કારણે અરજી કરી શકતા નથી. એ મુશ્કેલી કોમન કેલેન્ડર જાહેર થવાથી દૂર થઇ શકશે.