પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જસદણમાં ભાજપને જીત અપાવી શકશે?

અમદાવાદ- પાંચ રાજ્યોના ચૂંટણીને લઈને અત્યાર સુધીમાં જે પરિણામો સામે આવી રહ્યાં છે તેને જોતા જસદણ પેટા ચૂંટણીમાં ભાજપ અને કુંવરજી બાવળિયાની મુશ્કેલી વધી છે. ગુજરાત ભાજપના નેતાઓએ હવે જસદણમાં જોર લગાવવા માટેની નવી વ્યૂહરચના ઘડવાનું શરૂ કર્યું છે, કારણ કે, જસદણની પેટાચૂંટણી માત્ર ગુજરાત ભાજપ જ નહીં નરેન્દ્ર મોદી અને અમિત શાહની શાખનો સવાલ બની જશે.પરિણામોની સીધી અસર જસદણ પેટાચૂંટણી પર પડે તો ગુજરાત ભાજપની શાખ બગડશે. જેને પગલે ભાજપમાં ચિંતા વધી છે તો બીજી તરફ કોંગ્રેસનો ઉત્સાહ વધ્યો છે. સામાન્ય પ્રજામાં પણ કોંગ્રેસ પ્રત્યેનો ભરોસો વધ્યો છે. જસદણની પેટા ચૂંટણીએ બાવળિયાનું ભવિષ્ય નક્કી કરતી હોવાથી ભાજપ એડીચૌટીનું જોર લગાવી રહી છે.

ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 20 વર્ષમાં સૌથી ઓછી બેઠકો (99) મળી હતી, માત્ર એટલું જ નહીં જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન બાવળિયા લડી રહ્યાં છે. મોદી અને અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતમાં કેબિનેટ પ્રધાન ચૂંટણી હારી જાય તો મોદી-શાહની શાખ પણ બગડે તેમ છે. જેને કારણે ગુજરાત ભાજપના નેતાઓ ફફડી ઉઠ્યાં છે. આથી જસદણમાં વધુ જોર લગાવવા માટે નવેસરથી પ્રચાર અને મતદાનની વ્યૂહરચના ઘડવા માટે બેઠકોનો દોર શરૂ કરી રહ્યાં છે.

હવે જસદણનો જંગ જીતવા માટે ભાજપ હાઈ  કમાન્ડ પણ સીધુ માર્ગદર્શન આપી શકે છે. હવે ભાજપ માટે કરો યા મરો જેવો જંગ છે. જસદણમાં પણ હાર થઈ તો ભાજપની આબરૂનું મોટાપાયે ધોવાણ થવાની સંભાવના છે. જેને પગલે અમિત શાહ પણ માર્ગદર્શન આપે તેવી સંભાવના છે. હાલના પરિણામોએ જસદણ પેટા ચૂંટણીએ ભાજપની પણ ચિંતા વધારી દીધી છે.