સરદાર જન્મભૂમિમાં રાજયવ્યાપી એકતા યાત્રાનું સમાપન

નડીયાદ– સરદાર પટેલની જન્મભૂમિ નડીયાદ ખાતે રાજ્યવ્યાપી એકતા યાત્રાનું મુખ્યપ્રધાન વિજયરૂપાણીના હસ્તે સમાપન કરવામાં આવ્યું હતું. ગત ર૦ ઓકટોબરથી બે તબક્કામાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૭૪ ગામોની સાથે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં આ આ એકતાયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું.એકતા યાત્રાના સમાપન પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે સમગ્ર રાષ્ટ્રને એકતા અને અખંડિતતાના તાંતણે બાંધનાર સરદાર સાહેબ સમગ્ર દેશ અને વિશ્વ માટે એકતાના પ્રતીક સમાન છે. સરદાર સાહેબ ન હોત તો આજે ભારતનો નકશો કંઇક અલગ જ હોત. રાષ્ટ્રશિલ્પી સરદાર સાહેબે આગવી કૂનેહ અને દીર્ઘદ્રષ્ટિથી રાષ્ટ્રનું એકીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું.

મુખ્યપ્રધાને જણાવ્યું કે દેશની પ્રગતિનો આધાર સમાજીક એકતા અને સમરસતા પર છે. એકતા ભાવથી ભારતમાતા પ્રત્યેનો ભાવ જાગૃત કરી સૌને રાષ્ટ્રહિત માટે કામ કરી ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા તેમણે આહ્વવાન કર્યું હતું. એકતા યાત્રાના માધ્યમથી સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદશો જન-જન સુધી પહોંચાડયો છે.

કેવડીયા ખાતે નિર્માણ થયેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર રાષ્ટ્ર સહિત વિશ્વમાં એકતાનો સંદેશાનો પર્યાય બની એક-નેક અને પ્રગતિ વિકાસ માટે સંદેશો ફેલાવશે તેમ જણાવતાં મુખ્યપ્રધાને ઉમેર્યુ કે ગુજરાતે સમગ્ર દેશને વિવિધ ક્ષેત્રોમાં દિશા બતાવી છે ત્યારે દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબ કંડારેલી કેડી પર આપણે સૌ ચાલીશું તો તેમને સાચી શ્રધ્ધાંજલિ આપી ગણાશે.ચરોતર પ્રદેશ સમગ્ર ગુજરાતમાં સરદાર સાહેબના એકતાના મંત્રને સાકાર કરવા કટિબધ્ધ બનશે.સરદાર પટેલે તેમની કુનેહ અને દીર્ઘદ્રષ્ટિથી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતુ. સરદાર પટેલના આદર્શો અને એકતા – અખંડિતતા નો ભાવ જન-જન સુધી પહોંચે તે જરૂરી છે. જ્ઞાતિ-જાતિ-ધર્મ-સંપ્રદાય-ભાષા-પ્રાંત થી ઉપર ઉઠીને અનેકતામાં એકતાનું સૂત્ર સાર્થક કરીએ એમ તેમણે ઉમેર્યું હતું.

રૂપાણીએ કહ્યું કે, ભાવિ પેઢી પણ સરદાર પટેલના આદર્શોમાંથી પ્રેરણા લે અને ભારતવાસીઓ એકતા-અખંડિતતા માટે કટિબધ્ધ બને તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની સૌએ નોંધ લીધી છે એટલું જ નહીં વિદેશોમાં પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચા થઇ રહી છે. મુખ્યપ્રધાને સ્વ.વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇજીની ‘‘યે દેશ ભૂમિ કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્રપુરૂષ હૈ…’’ કવિતાનું સ્મરણ કર્યું હતું.