આયુર્વેદની ફોર્મ્યુલાને આધુનિક જમાનાને અનુરૂપ બનાવવા પ્રયત્નો

અમદાવાદઃ એલ.એમ.ફાર્મસી કોલેજના ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ત્રણ દિવસીય પરિષદ યોજાઈ છે.  હવે વિશ્વમાં આયુર્વેદિક ઔષધો વધુને વધુ પ્રમાણમાં લોકપ્રિય બની રહ્યા છે અને આગામી સમયમાં તેનો વપરાશ વધવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે,  ત્યારે એલ.એમ.ફાર્મસી કૉલેજ તરફથી યોજવામાં આવી રહેલી આયુર્વેદ વિશેની આંતરરાષ્ટ્રીય પરિષદ ખરેખર ઉપયોગી બની રહેશે. હાલમાં વિશ્વના હર્બલ બજારમાં ભારતનો હિસ્સો દસ ટકા છે, જ્યારે ચીનનો હિસ્સો ૧૮થી ૨૦ ટકા છે.

આ પ્રસંગે જીટીયુના વાઈસ ચાન્સેલરે જણાવ્યું કે આપણા ૠષિ- મુનિઓ આયુર્વેદિક ગ્રંથોમાં ઔષધિઓની હજારો ફોર્મ્યુલાનો ભવ્ય વારસો આપતા ગયા છે. તેને વૈજ્ઞાનિક સ્વરૂપે આધુનિક જમાનાને અનુરૂપ બનાવવી એ જ  નવોદિત ફાર્મા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે સૌથી મોટી ચેલેન્જ છે

એટલે જ તો સંસ્કૃતનો એક શ્લોક કહે છે કે

अमंत्रमक्षरं नास्ति नास्ति मूलमनौषधम्‌ ।

अयोग्यः पुरुषो नास्ति योजकस्तत्र दुर्लभः॥

મંત્ર ન હોય એવો કોઈ નાદ નથી ઔષધિ તરીકે કામ ન આવે એવી કોઈ વનસ્પતિ નથી. ઉપયોગી ન હોય એવી કોઈ વ્યક્તિ નથી. જરૂર છે યોગ્ય અભિગમ અપનાવવાની.

આ પરિષદમાં ફાર્મેન્ઝા હર્બલ પ્રાઈવેટ લિમિટેડના નિયામક ડૉ. લાલ હિંગોરાનીએ મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હર્બલ બિઝનેસના વિકાસની ઉજળી તકો છે. આયુર્વેદના ગ્રંથોમાં રહેલા ખજાનાને વૈશ્વિક ધારાધોરણો મુજબના બનાવવામાં આવે તો તેની ભરપૂર માંગ વધી છે. પરિષદમાં ૪૫૦ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં અમેરિકા, મલેશિયા અને થાઈલેન્ડના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.