E-મેમોઃ રાજ્યની આવકમાં નોંધપાત્ર વધારો થયો

અમદાવાદ-  ‘One Challan, One Nation’ ના ઉદ્દેશ સાથે શરુ કરાયેલી ઇ-ચલણની કામગીરીમાં ટેકનોલોજી સાંકળીને ઇમેમો આપવાની ગુજરાતમાં શરુઆત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં રાજ્યની RTO દ્વારા 35,000 મેમા ઇ-ચલણથી સ્વીકારવામાં આવ્યા છે. જેમાં અંદાજે રૂા.1.50 કરોડ કરતાં વધારેની રકમ ઇ-ચલણ અંતર્ગત વસૂલવામાં આવી છે, તેમ વાહન-વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવાયું છે.

આ કામગીરીને વધુ પારદર્શક બનાવવાના હેતુથી યુનિક ચલણ નંબર દ્વારા કોઇપણ વ્યક્તિ વાહનનો મેમો, મેમાની ચૂકવણું, મેમો રસીદ નંબર, મેમો રીલીઝ ઓર્ડર વગેરે સમગ્ર દેશમાં વેરીફાય કરી શકશે. ગુજરાતમાં હાલ પડતર તમામ મેમાને ડિજિટાઇઝ સ્વરૂપે અપડેટ કરવાની સૂચના આપવામાં આવી છે. આ કામગીરી આગામી તા. ૧૦ જુલાઇ ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ઇ-ચલણ મેમોમાં ઓનલાઇન પેમેન્ટનો પણ વિકલ્પ છે. એકવાર આ કામગીરી સ્થિર થયા બાદ ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત ઇ-ચલણના સોફ્ટવેર દ્વારા મેમો સંબંધિત તમામ કામગીરી ટૂંક સમયમાં ડિજિટાઇઝ કરાશે.અગાઉ મેમો બનાવવાની પદ્ધતિ મેન્યુઅલ પ્રક્રિયાથી થતી હોવાથી વિલંબ થતો હતો. જ્યારે હવે ઇ-ચલણના યુગમાં આ કામગીરી વધુ ઝડપી અને પારદર્શી બની છે. હવેથી આ તમામ કામગીરી ટેબ્લેટ અને કોમ્પ્યુટર ઉપર થશે તેમજ ગુન્હા પ્રમાણે સમગ્ર  દેશના તમામ આર.ટી.ઓ. અને પોલીસના વાહન ૪.૦ અને સારથી ૪.૦ના ડેટામાં તરત જ અપડેટ થઇ જશે. જેની જાણ ગુન્હો કરનારને તાત્કાલિક થશે. જે વાહનમાં ગુન્હો વાહન ૪.૦ અને સારથી ૪.૦ માં અપડેટ થશે તેની માલિકી તબદીલી, ટેક્ષ ભરવાની, ફીટનેશ સહિતની તમામ કામગીરી જ્યાં સુધી મેમો નહીં ભરે ત્યાં સુધી સીસ્ટમમાં આગળ વધશે નહીં. આ મેમો કોઇપણ રાજ્યની આરટીઓમાં ચકાસી શકાશે. ઇ-ચલણ મેમા દ્વારા પારદર્શક્તા, કામગીરીમાં ઝડપ અને દસ્તાવેજોની જાળવણીમાં પણ મદદ થશે. ભવિષ્યમાં વાહન સંબંધિત ગુન્હા કરનાર કોઇપણ વ્યક્તિ ઇ-ચલણથી છટકી શકશે નહીં અને સાથેસાથે રાજ્યની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે એટલે કેન્દ્ર સરકારનો ‘One Challan, One Nation’ નો ઉદ્દેશ સિદ્ધ થશે, તેમ પણ યાદીમાં જણાવાયું છે.